નિશાળેથી થાકી પાકી સાંજે સાડા પાંચે ઘરે પહોંચી તો સાસુજી અડોશપડોશની મહિલાઓ સાથે વળગ્યા હોય તેમનો વાતોનો જે વિષય ચાલતો હતો કે પછી રામજાણે ! પરંતુ જેવી હું ઘરના દરવાજામાં પ્રવેશી કે મોટેથી બોલી ઉઠયાઃ અરે ભૈ ! અત્યારે તો બેય જણાં નોકરી કરે તો જ ચાલે એવું છે મારી બઇ ! મોંઘવારી કેવી છે એતો જુઓ ! નામ લેવાય એવું છે
કાંઇ ? આપણે તો જુઓ વહુને છુટૃ જ આપી દીધી છે કે ભઇ, છોકરા બોકરા અમે છઇએ ત્યાં સુધીમાં કરવા હોય તો કરી લો. અમે મોટા કરી દઇશું બાકી નોકરી છોડાવવાની વાત તો નહીં જ ! એકતો પગ મોકળો રહે તમારો, અને બીજું એ કે પાકીટેય થોડું ભારે રહે. તમારે જયાં છૂટક મૂટક વાપરવા હોય, કાંઇ મોટી ખરીદી કરવી હોય તો કોઈની આશિયાળ તો નહીં: અમારા જમાનામાં તો આઠઆનાં જાતા હોય તો ય ધણી પાસે હાથ લાંબો કરવાનો મારી બઇ ! શું… કહો છો રમા બા !
સાચ્ચુને ?” કરતાક મોટેથી હસી પડયા. પણ મને એમનું હાસ્ય અટૃહાસ્ય શું લાગતું.
આમ પણ સાસુજી આડોશપાડોશની મહિલા મંડળના મોવડી ! મારી દ્રષ્ટિએ ગેંગલીડર જ કહું. એટલો એમનો પાવર ! એટલે ઉંમરમાં મોટાં હોય તો ય રમાબા વસંતબા, દિનાકાકી, ચંદ્રીકામાસી, ગગાબા, નિમુફઇ… આ બધા અને મારાથી મોટી વચગાળાની વહુવારૂઓ…
સાસુજીની વાતુમાં હા એ હા ભણ્યે રાખે મને થતું કે કહી દઉ કે નોકરી કરતી નથી પણ કરવી પડે છે અને તેલ પીવડાઇને એરંડિયું કઢવો છો. કાંઇ શોખના નથી નોકરી કરાવતા મને ! મતલબથી પ્યાર છે સૌને… પણ હું વહુ હતી ! મોટા ખોરડાની વહુ ! જેણે મર્યાદા કે લાજ ઓળંગવાની નથી હોતી બસ, ધાણીના બળદ જેમ ફર્યે જ રાખવાનું !
અને આમ પણ એકેય દિવસ પોરો ખરો ! પરણીને આવી ત્યારે મનમાં ગર્વ હતો કે એમ. એ. પાસ હતી ત્યારે હું પસંદ થઇ હતી. મારી તેજસ્વીતા અને શૈક્ષણિક કારકિર્દી જ મારી પસંદગી માટેના પ્રેરક બળ રહ્યા અને હું એટલે જ સ્તો પસંદગીને પા ઠરી, કુંવારી હતી ત્યારે કાકા અને પપ્પા બેંકની નોકરી બહુ વખાણતા એમાં ખબર પડી કે છોકરો જોવા આવવાનો છે એ રાષ્ટ્રીયકૃત બેન્કમાં નોકરી કરે છે.
પપ્પા એ તો ત્યારેને ત્યારે ભૂરખિયા હનુમાનજીની માનતા માની લીધેલી કે મારી દક્ષા જો સામેવાળાને પસંદ પડી જાય તો દાદા ! હું અહીથી ચાલતો ચાલતો તમારા દર્શને આવીશ. જાકે, અશોક મને ગમી ગયેલા. એટલા બધા સ્માર્ટ કે મારી કલ્પનામાં હોય એવા ચબરાક ચપળ, હાજરજવાબી કે તૈયાર નહોતા પણ એવરેજ પુરૂષ લાગ્યા. સ્વભાવ થોડો ધીર ગંભીર પણ મૂળ તો બેંકની નોકરી હતી.
પરણ્યા પછી સાસરે આવી ત્યારે ઘેરો એક કુટુંબ !! બે નણંદો અને એક દિયર, સાસુ – સસરા અને અમે બન્ને. સવારે પાંચ વાગ્યે જાગી જાતી. તે છેક રાત્રે અગિયાર વાગ્યે સૂવાના ઓરડે જવા મળતું. નાની નણંદોતો ઉઠે આઠ વાગ્યે ત્યાં સુધીમાં તો ચા – પાણી નાસ્તો તૈયાર થઈ ગયો હોય. અશોકને સાડા દસે થાળી જાઇએ એટલે સાડા આઠે દાળ ભાત શાકનું કૂકર મૂકી જ દેવુ પડે ! અશોકને જમાડું ત્યારપછી સસરાજીની થાળી ! સાડા બારે એવી તો ભૂખ લાગી હોય પણ નણંદો !! નથી ખાવુ… ભૂખ નથી… હમણાં નહીં, થોડીવાર પછી…”ના નખરામાંથી ઉંચીયું આવે તો બેસુને ? જો, વહેલી બેસી જાઉ તો ચટકાનો પાર નહીં જાળવી જાળવી ને રહેવાનું.
હળવી ફરીયાદ કરૂં તો બોલે : “ એ બધુ તું તારી રીતે ટેકલ કરી લે… મને એમાં સંડોવ નહીં જેમ મમ્મી કહે એમ કરવાનું સમજી ? ”
મારે કોને કહેવું ? આ તો કયારેક અશોક સાથે સોડા પીવા જાઉ તોય ઘરમાં વાંધા પડે એમાં કોઇ હિલ સ્ટેશનમાં ફરવા જવાની તો વાત જ કયાં રહી ? ”
ઘડીક લાંબી થાઉં બપોરે. ત્યાં તો અઢીની ચા નો ટાઇમ થઇ જ ગયો હોય ! ઉઠવું પડે.
એકવાર મને બરાબરની નિંદર ચડી ને સસસરાજીએ પોતે ચા મૂકી દીધી. થયું એવું કે ઉકળતા ચાના પાણીમાં દૂધની તપેલી સાણસીથી છટકી અને આખુ પ્લેટફોર્મ રેલમછેલ ! દેકારો થઇ ગયો અને પછી શું બાકી રહે ? ગુન્હેગારના કઠેડામાં મારે જ ઉભા રહેવાનું આવ્યું. તે દિવસે રાત્રે અશોકે મને ગુસ્સાથી કહી દીધુ ઃ “ ફરીવાર આવું ન બનવું જાઇએ સમજી ? ઘરમાં વહુ હોય તોય મારા બાપાને ચા બનાવવી પડે ? ”
ખૂબ દુઃખ લાગ્યુ. મારે શું સ્પષ્ટતા કરવાની ? ગમે એટલા ખુલાસા કર્યા પણ સત્યનો અવાજ આ જાડી ચામડીના નિંભર લોકો સુધી પહોંચ્યો જ નહીં.
એમાં પ્રેગ્નેન્ટ થઇ સિમંત ના પ્રસંગ પછી પહેલી પ્રસૂતિ માટે પિયર ચાલી ગઇ છો બધા માંહોમા ટીપાતા ! તો જ
ખબર પડશે, કે વહુ હતી તો કેટલું સારૂં હતું ?
૫ણ મારા બદનસીબે કોઇ એવા કમ્પ્લીકેશન ઉભા થયા કે બાળકીને ડોકટર ન બચાવી શકયા. મારૂં પિંડ જતું રહ્યું. મારો ખાલી ખોળો… હું ડીપ્રેશનમાં સરી ગઇ… સાસુએ સંદેશો મોકલ્યો કે છોકરૂં તો નથી છોકરા વગર શું જીયાણું ? સાસરે આવી જાવ.
પણ મારી મા એ કહી દીધું ત્રણ મહિના મોકલવાની નથી. ત્રણ મહિના પૂરા થાય એટલે વગર મૂર્હતે તેડી જજા.
દરિમયાન અશોક મળવા આવ્યા. મારી પરિÂસ્થતિ અન મારા ગયા પછીનો તાગ મેળવી થોડો કૂણાં પડયા ‘ આપણું કૂલ ?’ મારી આંખમાં આંસુ ઘસી આવ્યા એમણે મને કહ્યું ઃ “રડ નહીં, કદાચ આપણા નસીબમાં નહીં હોય…” મેં કહ્યું, હું અહીં એના વગર નહીં જીવી શકુ.”
“તો ત્યાં આવી જા.”
(ક્રમશઃ)







































