જાહેરજીવનમાં સક્રિય વ્યક્તિ પાસેથી અમુક મર્યાદાઓ, પ્રોટોકોલ, શિસ્તબધ્ધ વાણી વર્તનની, ગંભીરતાની અપેક્ષાઓ હોય છે. જે વ્યક્તિ જેટલી ઉંચાઈએ હોય છે, આ અપેક્ષાઓ તેટલી વધુ પ્રબળ બની રહે છે. એમાં પણ જો કોઈ બંધારણીય કે સંસદીય હોદ્દા પર હોય તો આ બાબત ફરજીયાત જેવી બની રહે છે. આવા કોઈ ક્યાયે લેખિત આદેશો નથી, પણ એ અભિપ્રેત છે. આ સ્વાભાવિક છે કારણકે તમારી પાછળ એક વર્ગ ચાલતો આવતો હોય છે. એ કોઈ પક્ષ હોઈ શકે છે, કોઈ સંસ્થા હોઈ શકે છે, સરકાર હોઈ શકે છે. તમને અનુસરતા લોકોની સંખ્યા બહોળી હોય છે. તમારી પાછળ ચાલતો તમને ઘણા પરિમાણોથી અનુસરતો વર્ગ મોટો હોય છે. તમારી કારકિર્દી ઉપરાંત દ્રષ્ટાંત પ્રસ્થાપિત કરવાની એ લોકો માટેની તમારી ફરજ બની રહે છે, જેઓ તમારા તરફ જોઈ રહ્યા હોય છે. જાહેરમાં જો તમે ઉચ્ચ સ્થાને હો અને બીજાના કોઈના ખભે હાથ પણ મુકો છો તો જેના ખભે હાથ મુક્યો છે એ વ્યક્તિ કોણ છે તેની ખોજબીન શરુ થઇ જાય છે તો તમારી અંગત બાબતો કઈ રીતે અજાણી રહી શકે છે ? તમારા નિર્ણયો, એ નિર્ણયોની ઉપજનારી અસરો તો ખુબ દૂરની વાત છે, તમારું વ્યક્તિત્વ, શબ્દો, વર્તન જ તમારું મૂલ્યાંકન કરાવતું રહે છે. કોઈ એકલ દોકલ અભિપ્રાય પર આધાર ન રાખતા જે આભા કે છાપ આમ જનમાનસમાં ઉપસે છે એ અસલ મુક્યાંકન છે. કારણકે વ્યક્તિગત અભિપ્રાયમાં ગુણદોષ કે ગમો અણગમો હોઈ શકે છે, પરંતુ જનતાની સરેરાશ વિવેકબુદ્ધિ આધારે થયેલ મૂલ્યાંકન વાસ્તવિકતાની ખુબ નજીક હોય છે.
તમારું વ્યક્તિત્વ શું ફરક પાડી શકે છે તેનું એક દ્રષ્ટાંત ભારતીય રાજનીતિમાં વારે વારે અપાઈ રહ્યું સાંભળ્યું છે. કોંગ્રેસમાં એક સમયે કામરાજ જેવા નેતાના જૂથે આગેવાન તરીકે મોરારજીના બદલે ઇન્દિરાને પસંદ કર્યા હતા. કારણ સાફ હતું કે ઇન્દિરા ભારતીય રાજનીતિમાં નવાસવા હતા, ઓછું બોલતા હતા.સૌમ્ય ગણાતા હતા. સામે પક્ષે જે હરીફ હતા એ મોરારજી દેસાઈ થોડા કડક હતા. પક્ષમાં પોતાના જૂથની પકડ બની રહેશે એ આશયથી કામરાજ જૂથે ઇન્દિરા ગાંધીની પસંદગી કરી હતી. પણ ઇન્દિરા ગાંધીના લોખંડી મનોબળ સામે કામરાજ નિષ્ફળ ગયા. ઇન્દિરાએ પોતાની આભા કોંગ્રેસ પર પાથરીને નેહરુ યુગની યાદ અપાવી દીધી. ગુંગી ગુડિયા જેનું ઉપનામ અંદરખાને ચર્ચાઈ રહ્યું હતું એ સ્ત્રીએ દિલ્હી પર પોતાની લોખંડી પકડ જમાવી દીધી. પક્ષને સત્તાના સર્વોચ્ચે બેસાડ્યો. એ પ્રતિભા અમર્યાદ બની અને કટોકટી જેવો નિર્ણય લેવાઈ ગયો. જે તાકાત સત્તા માટેનો રસ્તો હતી એ તાકાતે જ એક ખોટો નિર્ણય લેવડાવી દીધો. સ્થાનની, સત્તાની, વ્યક્તિત્વની ગરિમામાં ગોબો પડી ગયો.
એક શબ્દ કે વિધાન, એક કૃત્ય કે નિર્ણય કારકિર્દીના અર્શ કે ફર્શનો નિર્ણય કરી શકે છે. ઉચ્ચ સ્થાનેથી બોલાયેલ શબ્દ, થયેલ વર્તન, અપાયેલ પ્રતિભાવ દૂર સુધી ફેંકાય, ફેલાય છે. આ બધું તમારાથી છૂટી ગયા કે થઇ ગયા બાદ તેને પલટાવી શકાતું નથી. કારણકે તેમાં તમારા ઈરાદાઓ વ્યક્ત થાય છે. આજના સોશ્યલ મીડિયાના યુગમાં તમારા બેડરૂમની બહાર તમારી કોઈ હરકત કે શબ્દ ખાનગી નથી. દરેકના હાથમાં ચાર બાય છ ઈંચનું એક સાધન છે જે કલ્પનાતીત ગતિથી તમને પ્રખ્યાત કે કુખ્યાત બનાવી દેવાની તાકાત ધરાવે છે. પહેલાના સમયમાં નેતા ગમેતેવા નિવેદનો કરીને પછેડી ઓઢીને સુઈ જતા હતા. તેને ખબર હતી કે આ નિવેદન પક્ષ કાર્યાલયની બહાર જવાનું નથી. હવે એવું નથી. તમારા શબ્દોને કચકડે કંડારવા, રેકોર્ડ કરવા જીવંત પ્રસારિત કરવા અનેક માધ્યમ ઉભા છે. જે તમારા વર્તન કે શબ્દને મસાલા છાંટીને પ્રવાહિત કરવા તલપાપડ છે. ટીઆરપી નામના શબ્દે જાહેરજીવનને જોખમી કરી મેલ્યું છે.
અવાજમાં પોલાદી નક્કરતાનો રણકાર, ચાલચલનમાં ગર્વિષ્ઠ ઉંચાઈ, વ્યક્તિત્વમાં સુઘડતાની આભા જેવા ગુણો આજના સમયના જાહેરજીવનની સફળતાની પ્રમુખ જરૂરિયાતો છે. જે આગેવાનમાં આ ઉંચાઈઓ નથી તેને સત્તાની ઉંચાઈઓ સર કરવામાં મુશ્કેલીઓ પડે છે. મુદ્દા વિના, અભ્યાસ વિના, તર્ક વિના બફાટ કરતા રહેતા લીડર પક્ષ, સરકાર કે સંગઠન પર બોજ બનતા રહે છે. જેની વારેવારે જીભ લપસતી રહે છે એની કારકિર્દી પણ લપસતી રહે છે. રાજકીય જીવનમાં સારી વકતૃત્વ શક્તિ અને સારું પારદર્શી વ્યક્તિત્વ મહત્વની જરૂરિયાત અને ગુણ છે. બોલીને બોર વેચવાનો અને કરી બતાવવાનો આ વ્યવસાય છે જ્યાં અસ્ખલિત વાક્પ્રવાહની મોહિની પ્રજા પર કામદેવ સમ ભૂરકી છાંટી રાખે છે. સભામંડપમાં બોલવા માટે ઉભા થતા વક્તાને કિકિયારીથી વધાવતા પ્રેક્ષકો, માત્ર હાથ ઉંચો કરીને શ્રોતાઓને ઉભા કરી દેતો નેતાના સભામંડપો મેદનીથી છલકાતા રહે છે. શબ્દોના તાંતણે બાંધી ટેકેદારોને ખેંચી રાખતા નેતાઓની રાજકીય કારકિર્દી લાંબી રહે છે.
વર્તમાન સમયમાં મહદઅંશે નેતાઓથી સરસ્વતી રિસાઈ ગયેલ છે. મુદ્દાઓનો અભ્યાસ નથી અને જે કાઈપણ અભ્યાસ છે, એ બોલવા માટે શબ્દો નથી. બોલવા ઉભા થાય ત્યારે સામે બેઠેલા શ્રોતાઓ મનોરંજનના ભાવથી જુએ છે. જે રાષ્ટ્રીય પ્રશ્નોની ચર્ચા કરતા સમયે જોક મારતો રહે છે એ નેતા રાજકીય વિદુષક છે.
ક્વિક નોટ – પ્રાંતિક ધારાસભાઓના મતો આવ્યા બાદ ગાંધીજીએ બોલાવેલી બેઠકમાં જવાહરલાલે કોંગ્રેસ પ્રમુખપદ માટે પોતાને જરૂરી મતો નહિ મળવાથી મૌન ધારણ કરી લીધું અને સરદાર તથા બાપુએ મૌનનો મતલબ સમજી ગયા. એ મૌનના ફળસ્વરૂપે જવાહરલાલને આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી થવાનું સદભાગ્ય સાંપડ્યું. આદર્શ સમયે ધારણ કરી લીધેલું મૌન તમને ભારતના વડાપ્રધાન બનાવી મુકવાની તાકાત રાખે છે.
production@infiniumpharmachem.com






































