ગીર સોમનાથ જિલ્લાના ઉના-દેલવાડા રોડ પર ચારથાંભલા નજીક રહેણાક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જીવીબેન, લાડુબેન, મીણાબેન, લખમીબેન અને શંભુભાઈ લોહાણાના મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. નગરપાલિકાના ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ જતાં ભારે નુકસાન થયું છે. પૂર્વ પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા સહિતના સેવાભાવીઓ મદદ માટે દોડી આવ્યા હતા. આગને પગલે ઉના-દીવ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.





































