ઉના તાલુકા ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં વર્ષો પહેલાં અન્યાયનો ભોગ બનેલા ૬૦૦થી વધુ કામદારોને આશરે રૂ.૨૩ કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ, રાજકોટ દ્વારા કામદારોને ન્યાય અપાવવા માટે ચાર દાયકાથી ચાલતી કાનૂની લડત આખરે સફળ થઈ છે. ફેક્ટરી સંચાલન દ્વારા અગાઉ બે વખત કથિત ગેરકાયદેસર લે-ઓફ જાહેર કર્યા બાદ ૬૦૦ થી વધુ કામદારોને કાયદેસરના હક અને વળતર ચૂકવ્યા વિના છૂટા કરી દેવાયા હતા. આ મામલે સંઘે મજૂર અદાલત, ઔદ્યોગિક અદાલત, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી. સંઘના પ્રધાનમંત્રી દિલીપભાઈ ઠાકરે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં ચુકવણી ન થતાં જવાબદાર અધિકારીઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ પાઠવવાની ફરજ પડી છે. હવે ૬૦૦થી વધુ કામદારો અને તેમના પરિવારોની નજર રૂ.૨૩ કરોડની રકમ ક્યારે ચૂકવાય તેના પર છે.