ધોરાજી નગરપાલિકાની હદમાં આવેલા એકમાત્ર જાહેર કે.ઓ. શાહ કોલેજ ગ્રાઉન્ડ પર સરકારી અધિકારીઓના બંગલા બનાવવાનો નિર્ણય સામે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. આ મેદાનમાં વર્ષોથી રામનવમીનો લોકમેળો, ધાર્મિક કથાઓ, રામાયણ સપ્તાહ, ભાગવત કથા તેમજ રાજકીય કાર્યક્રમો યોજાય છે. આસપાસ મંદિરો અને ગૌશાળા પણ આવેલી છે. મેદાનમાં બંગલા બનશે તો વિદ્યાર્થીઓની રમતગમત સહિત ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો ક્યાં યોજાશે તેવો સવાલ ઉઠ્યો છે. આ મુદ્દે ૨૬ નવેમ્બર, ગુરુવારે સાંજે ૬ વાગ્યે જમનાવડ રોડ સ્થિત લેઉવા પટેલ સમાજ ખાતે સર્વપક્ષીય બેઠક યોજાશે. કોલેજ ગ્રાઉન્ડ બચાવવા તમામ આગેવાનોને જોડાવા અપીલ કરાઈ છે. બીજી તરફ સાંસદ અને ધારાસભ્યની આ મુદ્દે રજૂઆત અંગેના મૌનને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.
































