અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે. જાફરાબાદમાં દવાખાનાના કામ માટે પૈસાની જરૂરિયાત હોવાનું કહી રૂ. ૭૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા બાદ ફોન બંધ કરી દીધો હતો. કૈલાશભાઈ પરશોત્તમભાઈ બાંભણિયા ઉર્ફે શિકારીવાળા (ઉં.વ.૩૩) એ અજાણ્યા મોબાઈલ નંબરધારક સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તેઓ તા. ૨૪/૦૭/૨૦૨૬ના રોજ પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતે ‘અમૂલ’ બોલતો હોવાની ખોટી ઓળખ આપી, દવાખાનાના કામ માટે પૈસાની જરૂરિયાત છે તેમ કહ્યું હતું અને પોતાના મોબાઈલમાંથી પૈસા ટ્રાન્સફર થતા નથી તેવું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ તેણે કૈલાશભાઈના એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત કરી, તેમના મોબાઈલમાં પૈસા જમા થયા
હોવાના નકલી ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા.ત્યારપછી બીજો મોબાઈલ નંબર તથા સ્કેનર મોકલી કુલ રૂ. ૭૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ફોન બંધ કરી દીધો હતો. આજદિન સુધી રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી આચરી ઓનલાઈન સાયબર ફ્રોડ કર્યો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. એમ.બી. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.
































