ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે છેલ્લાં સાતેક વર્ષથી ચાલતા વિવાદમાં યુવાનને લોખંડના ધારિયાના આડેધડ ઘા ઝીંકી તેના જ પિતરાઈ ભાઈ દ્વારા કરપીણ હત્યા નીપજાવાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ બાદ નાસી ગયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.આ ચકચારી બનાવની વિગત એવી છે કે, ખંભાળિયાના ભાડથર ગામે ખાટલા ડુંગર વાડી વિસ્તારમાં ભોલાભાઈ કારાભાઈ અવસુરા (ઉ.વ. ૪૦) માતા લાખીબેન કારાભાઈ અવસુરા સાથે રહે છે. યુવાનની પત્ની તેઓના પુત્ર સાથે છેલ્લે આશરે ૧૭ વર્ષથી ભટ્ટગામ ખાતે રીસામણે છે. આશરે સાતેક વર્ષથી ભોલાભાઈ તથા તેમના પિતરાઈભાઈ નાથાભાઈ લખમણભાઈ અવસુરા વચ્ચે પારિવારિક જમીન બાબતે વિવાદ ચાલ્યો આવે છે. વિવાદમાં આજથી આશરે એક વર્ષ પૂર્વે ભોલાભાઈને આરોપી નાથાભાઈએ માર માર્યો હતો.
દરમિયાન ગઈકાલે સાંજે માતા-પુત્ર ઘરે હતા, ત્યારે ભોલાભાઈ તેમના ઘર પાસે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા. ત્યાં આરોપી નાથા લખમણ અવસુરા લોખંડના ધારિયા સાથે આવ્યો હતો અને ભોલાભાઈને ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે,આજે તો તને મારી જ નાખવો છે. આ દરમિયાન તેમના માતા લાખીબેન વચ્ચે પડયા હતા. પરંતુ ઉશ્કેરાયેલા આરોપી નાથાએ ભોલાભાઈને માથામાં તેમજ પગના ભાગે લોખંડના ધારિયાના બેફામ ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયા હતા. આ દરમિયાન પરિવારજનો દોડી આવતાં આરોપી નાથા લખમણ અવસુરા નાસી છૂટયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભોલાભાઈને સરકારી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના માતા લાખીબેન કારાભાઈ પુનાભાઈ અવસુરા (ઉ.વ. ૬૦) દ્વારા આરોપી એવા તેમના જેઠના દીકરા નાથા લખમણભાઈ અવસુરા સામે ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ એલસીબીની ટીમ અને ખંભાળિયાના પીઆઈ સી.આર. રાણાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપી નાથા અવસુરા (ઉ.વ. ૪૨) ની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે એક મોટરસાયકલ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. કરપીણ હત્યાના આ બનાવે નાના એવા ભાડથર ગામમાં ભારે ચર્ચા જગાવી છે.


































