સોમનાથ-ભાવનગર ફોરટ્રેક હાઈવે પર ઉના તાલુકાના ગાંગડા ગામ પાસે સર્વિસ રોડ ન હોવાથી ૧૦થી વધુ ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે. યોગ્ય ડાયવર્ઝન ન હોવાથી વાહનચાલકોને રોંગ સાઈડ વાહન ચલાવવું પડે છે. આ કારણે અકસ્માતનો ભય રહે છે. ગાંગડા પાસે ફોરટ્રેકનું કામ પૂરું થયાને ૬ વર્ષથી વધુ સમય થયો છે, પરંતુ સર્વિસ રોડ બન્યો નથી. હાઈવે ઓથોરિટીએ સર્વિસ રોડ બનાવવાની ખાતરી આપી હતી, પણ તેનો અમલ થયો નથી. ગાંગડાથી આશરે પોણા બે કિલોમીટર દૂર ડાયવર્ઝન છે, જે સ્થાનિક લોકો માટે ઉપયોગી નથી. આ મુદ્દે ગ્રામજનોએ અગાઉ આંદોલન કર્યું હતું. ત્યારે તેમને આશ્વાસન મળ્યું હતું, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સનખડા આ વિસ્તારનું મુખ્ય ગામ છે. આસપાસનાં ગામોના લોકોને કામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ માટે અહીં આવવું પડે છે. સવાર-સાંજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને ખેડૂતોને રોંગ સાઈડથી પસાર થવું પડે છે.






































