શહેરમાં માત્ર દોઢ કલાકના ગાળામાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક જ સાંજમાં બે બનાવ બનતા બી ડિવિઝન, ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડતો થયો છે અને બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.
પ્રથમ બનાવ મોરબી રોડ પરના વેલનાથપરા વિસ્તારનો છે. વેલનાથપુરા શેરી નંબર-૧માં આવેલી સ્કાય રેસિડેન્સીમાં સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ ઘરકંકાસમાં પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક શારદાબેન અને તેમના પતિ પ્રવીણ પરસોડા વચ્ચે આડા સંબંધની શંકાને લઈને અવારનવાર ઝઘડા થતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
બી ડિવિઝનના પીઆઈ ગોવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે, સાંજે ૬.૧૫ થી ૬.૩૦ વાગ્યાના અરસામાં આડા સંબંધની શંકાને લઈને થયેલા ઉગ્ર ઝઘડામાં પ્રવીણ પરસોડાએ પત્ની શારદાબેનને તીક્ષ્ણ હથિયારના ૮ જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યારબાદ પોતે ઝેરી દવા ગટગટાવી ફરાર થઈ ગયો હતો.
મૃતક શારદાબેન અને પ્રવીણ પરસોડા મોટા દીકરા, પુત્રવધૂ કાજલ પરસોડા અને નાની પૌત્રી સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. બનાવ અંગે મૃતકના પુત્રવધૂ કાજલ પરસોડાએ જણાવ્યું હતું કે, ઘટના બાદ રૂમમાંથી એક દવાની શીશી પણ મળી આવી છે, જેથી આરોપી પતિએ પણ ઝેરી દવા પીધી હોવાની આશંકા છે. હત્યા બાદ આરોપી પોતાના વતન તરફ નાસી છૂટ્યો હોવાની બાતમી મળી છે.
કાજલ પરસોડાએ વધુમાં જણાવ્યું હતું કે, સાસુ-સસરા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સતત ઝઘડો ચાલતો હતો. પોતે રિસામણે ગયા હોવાથી માત્ર ચાર દિવસ પહેલા જ પરત ફર્યા હતા. બનાવના દિવસે બપોરે ૩ વાગ્યે સસરા ઘરની ચાવી લઈને નીકળી ગયા હતા, જ્યારે સાસુ પોતા કરવા કામે ગયા હતા અને સાંજે ૬ વાગ્યે ઘરે પરત ફર્યા હતા.
કાજલે કહ્યું, “સાંજે ૬ વાગ્યે સસરા ઘરે આવ્યા અને સાસુને ઢસડીને ઘરની અંદર લઈ ગયા હતા. તે દરમિયાન સસરાએ મને અને મારી નાની દીકરીને મારી નાખવાની ધમકી આપી ઘરની બહાર નીકળી જવા કહ્યું હતું. મારો અને દીકરીનો જીવ બચાવવા હું બહાર નીકળી ગઈ અને મારા પતિને તાત્કાલિક ઘરે આવવા ફોન કર્યો હતો. ઘરની અંદર શું બન્યું તેની અમને ખબર નથી, કારણ કે ડરના કારણે હજુ સુધી અંદર ગયા નથી.”
હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈન્ક્વેસ્ટ પંચનામું કરી ફરિયાદ નોંધી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવ રાત્રે ૮ વાગ્યે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસ.કે. ચોક નજીક બન્યો હતો. ત્યાં મહુલી પાનના ગલ્લા પાસે બેઠેલા ૩૪ વર્ષીય મનીષ નરેન્દ્રભાઈ પરમારને સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ગની મેમણ નામના શખ્સે ઘરેથી તીક્ષ્ણ હથિયાર લાવી ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક મનીષભાઈ પરમાર ગાંધીગ્રામ શેરી નંબર-૧૨માં રહેતા હતા અને છૂટક ડ્રાઇવિંગનું કામ કરતા હતા, સાથે ટિફિન સર્વિસનું પણ કામ કરતા હતા. તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, સાંજે એસ.કે. ચોક નજીક મહુલી પાન પાસે મનીષ પરમાર બેઠા હતા, ત્યારે કોઈ બાબતે ગની મેમણ સાથે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા મેમણે ઘરેથી તીક્ષ્ણ હથિયાર લાવી મનીષ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મનીષને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જાકે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જાણ થતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી ગની મેમણને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.એક જ સાંજમાં બે હત્યાના બનાવોથી શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે બંને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.








































