ભારતને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ૨૫,૯૩,૦૦,૦૦,૦૦૦ (૨,૫૯૩ કરોડ) નું સૌથી મોટું દાન મળ્યું. દેશની અગ્રણી આઇટી કંપની એચસીએલ ટેકના ચેરમેન શિવ નાદરે ગયા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ૨,૫૯૩ કરોડનું દાન આપ્યું હતું. તેમણે આ રકમ વિવિધ સામાજિક કાર્યો પર ખર્ચી હતી.હુરુન ઈન્ડિયા અને એડલગિવ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, દેશના સૌથી ધનિક લોકોમાંના એક ગૌતમ અદાણી અને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલ દાન ૧૨૭ ટકા વધીને ૮૭૭ કરોડ થયું. ગૌતમ અદાણી અને તેમનો પરિવાર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સૌથી વધુ દાતાઓની યાદીમાં બીજા ક્રમે રહ્યા. બજાજ પરિવારે યાદીમાં પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું. બજાજ પરિવારનું દાન ૪૨ ટકા વધીને ૬૩૨ કરોડ થયું. દરમિયાન, મુકેશ અંબાણીનું દાન ૧ ટકા ઘટીને ૬૨૦ કરોડ થયું, જેના કારણે તેઓ યાદીમાં ચોથા ક્રમે આવ્યા.
‘એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ ૨૦૨૬’ માં ૨૧૯ દાતાઓનો સમાવેશ થાય છે. તેઓએ મળીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કુલ ૧૧,૫૫૪ કરોડનું દાન આપ્યું. આ પાછલા નાણાકીય વર્ષમાં દાનમાં આપેલા ૧૦,૩૮૦ કરોડ કરતાં ૧૧ ટકાનો વધારો છે. હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં વધતી જતી અસમાનતા અંગેની ચિંતાઓ વચ્ચે, મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે સમૃદ્ધિના લાભો શક્ય તેટલા લોકો સુધી કેવી રીતે પહોંચાડવા અને તેમના માટે તકો કેવી રીતે ઉભી કરવી. તેમણે કહ્યું કે આ યાદી આ દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપે છે.
અહેવાલ મુજબ, ૧૯ વ્યક્તિઓએ ૧૦૦ કરોડ કે તેથી વધુનું દાન આપ્યું હતું, જ્યારે ૩૨ વ્યક્તિઓએ ૫૦ કરોડ કે તેથી વધુનું દાન આપ્યું હતું, અને ૮૦ વ્યક્તિઓએ ૨૦ કરોડ કે તેથી વધુનું દાન આપ્યું હતું. સાયરસ એસ. પૂનાવાલા અને અદાર પૂનાવાલા દ્વારા આપવામાં આવેલ દાન ૯૪ ટકા વધીને રૂ. ૩૩૬ કરોડ થયું. સુધીર મહેતા અને સમીર મહેતા દ્વારા આપવામાં આવેલ દાન ૭૭ ટકા વધીને રૂ. ૩૩૪ કરોડ થયું. અહેવાલમાં જણાવાયું છે કે ઇન્ફોસિસ પરિવાર દ્વારા કુલ દાન રૂ. ૯૨૦ કરોડ થયું છે. તેમાં નંદન નીલેકણી, રોહિણી નીલેકણી, એસ ગોપાલકૃષ્ણન, કે દિનેશ, કુમારી શિબુલાલ અને એન.આર. નારાયણ મૂર્તિના યોગદાનનો સમાવેશ થાય છે.