ઉનાના દેલવાડા રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે નવલા વર્ષના પાવન અવસરે કોળી સમાજ અને કોળી સેના દ્વારા પ્રથમ ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. જેમાં મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવા છતાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણે સિંહના સંતાન છીએ અને કોઈની વાતોથી ડરવાની જરૂર નથી. સમાજની એકતા અને સંગઠન જાળવવા તેમણે અપીલ કરી હતી. છેલ્લા ૩૫ વર્ષથી સમાજની સેવા કરતા હોવાનું જણાવી આગામી એક વર્ષમાં શિક્ષણ, આર્થિક ઉત્થાન, સમૂહલગ્નો અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે સમાધાન પંચની રચના કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નાદુરસ્ત તબિયત છતાં તેમની હાજરીથી સમાજમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.