અમદાવાદ શહેરમાં યુવાનોને નશાની લતથી બચાવવા અને નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ પર લગામ લગાવવા પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ’ અભિયાન હેઠળ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ઝોન-૭ પોલીસ દ્વારા એક જ રાતમાં અલગ-અલગ વિસ્તારોમાં દરોડા અને પેટ્રોલિંગ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળ કુલ ૪ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે પ્રતિબંધિત કફ સિરપ અને ગાંજાનો જથ્થો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૧)ની સૂચના મુજબ શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. ખાસ કરીને સ્ડ્ઢ ડ્રગ્સના સપ્લાયર્સ અને પેડલર્સ સુધી પહોંચવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું છે.
આ સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર (ઝોન-૭) શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ ખાસ એનડીપીએસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં ઝોન-૭ના એલસીબી,એમ ડિવિઝન,એન ડિવિઝન અને વિવિધ પોલીસ સ્ટેશનની ટીમોએ સંયુક્ત રીતે પેટ્રોલિંગ અને કોÂમ્બંગ હાથ ધર્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન આનંદનગર અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત કફ સિરપના બે કેસ મળી આવ્યા હતા. આનંદનગર પોલીસ સ્ટેશનના કેસમાં પાવન ભરતભાઈ સોની અને મહેબૂબ ઇબ્રાહીમભાઈ ખલીફાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પ્રતિબંધિત કફ સિરપની ૪૮૦ બોટલ મળી આવી હતી. પોલીસે આ કેસમાં ચાર મોબાઇલ ફોન, રોકડ રૂપિયા ૧૭,૬૦૦ અને એક સેન્ટ્રો કાર સહિત કુલ રૂ. ૭,૦૦,૩૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજી તરફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇમરાન નજીર અહેમદ મન્સૂરીને પ્રતિબંધિત કફ સિરપની ૬૯ બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં મોબાઇલ ફોન, ઓટો રિક્ષા, રોકડ અને કાર સહિત કુલ રૂ. ૧,૬૨,૩૩૮.૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.ઝોન-૭ પોલીસની કાર્યવાહી દરમિયાન ગાંજાના બે અલગ-અલગ કેસ પણ સામે આવ્યા હતા. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરાબખાન ઉર્ફે મેહતાબખાન ઐયુબખાન પઠાણ પાસેથી ૪૨૭ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ. ૨૧,૩૫૦ હોવાનું જણાવાયું છે.જ્યારે વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇરશાદઅલી ઉર્ફે શાહરુખ અસમતઅલી સૈયદને ૯૭ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત રોકડ રૂપિયા ૨,૬૫૭ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. ૭,૫૦૭નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝોન-૭ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ ડ્રાઇવમાં કુલ ચાર એનડીપીએસ કેસ નોંધવામાં આવ્યા છે. પ્રતિબંધિત કફ સિરપની ૫૪૯ બોટલ અને ગાંજાનો કુલ ૫૨૪ ગ્રામ જથ્થો ઝડપાયો છે. ચારેય કેસમાં આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અમદાવાદમાં યુવાનોને નશાથી દૂર રાખવા અને નશીલા પદાર્થોના ગેરકાયદે નેટવર્કને તોડવા માટે પોલીસનું આ અભિયાન આગળ પણ ચાલુ રહેવાની શક્્યતા છે.