બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે અંદાજિત રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ પામનારા સી.સી. રોડના વિકાસકાર્યનું ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામના આંતરિક માર્ગો મજબૂત બને અને ગ્રામજનોને અવરજવરમાં સરળતા રહે તે હેતુથી આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જનક તળાવીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ગામના સર્વાંગી વિકાસની મહત્વપૂર્ણ કડી છે. રસ્તાઓ સુદૃઢ બનવાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત તમામ ગ્રામજનોને લાભ મળશે. તેમણે લાઠી-બાબરા-દામનગર મતવિસ્તારમાં રોડ, પાણી, શિક્ષણ અને આરોગ્ય સહિતનાં પાયાનાં કામોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો, સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ વિકાસકાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.










































