અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા લબ્બેક પાર્કના બંગલાના ભોંયરામાંથી ઝડપાયેલી એમડી ડ્રગ્સ બનાવવાની મીની ફેક્ટરીના કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.એનસીબીએ આરોપી મુદ્દસર પઠાણને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ૩ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના ૧૭ નવેમ્બરના સાંજે ૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન એનસીબી અને ખાસ સરકારી વકીલ મહેશ પટેલે રજૂઆત કરી હતી કે આરોપી જે બંગલામાં રહે છે તેની બજાર કિંમત ૧.૫ કરોડથી વધુ છે. આરોપીએ ડ્રગ્સના વેચાણમાંથી થયેલી કમાણીમાંથી આ બંગલો ખરીદ્યો છે કે કેમ, તે દિશામાં તેના તમામ નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની તપાસ કરવી જરૂરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વર્ષ ૨૦૨૪થી, એટલે કે છેલ્લા બે વર્ષથી, પોતાના ઘરના ભોંયરામાં ગુપ્ત રીતે એમડી ડ્રગ્સની લેબોરેટરી ચલાવતો હતો. તેણે અગાઉ રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવવાની પ્રાથમિક તાલીમ લીધી હતી અને ત્યારબાદ યુ-ટ્યુબ તથા ગૂગલ પર પ્રોસિજર સર્ચ કરીને ઘરે જ ડ્રગ્સ તૈયાર કરતો હતો. તે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી રો-મટિરિયલ અને કેમિકલ મંગાવતો હતો.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી પોતે પણ એમડી ડ્રગ્સનો બંધાણી છે અને પોતાના ‘રતલામ કાફે’માં આવતા યુવાનોને પણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. દરોડા દરમિયાન તેના ઘરેથી ૧૩૦ કિલો કેમિકલ અને ૨૬.૬૭ ગ્રામ તૈયાર એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે, જેને ફોરેÂન્સક તપાસ માટે મોકલવામાં આવશે.કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવા માટે આરોપીને આર્થિક મદદ કોણે કરી અને સમગ્ર સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે જાણવા એનસીબી દ્વારા આરોપીના ફોન રેકોર્ડ્સ અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.








































