તહેવારોની સિઝનમાં ઘી, મીઠાઈ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની માગ વધતી હોય છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સુરતના અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉનમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે ઉત્રાણ પોલીસે ફૂડ સેફ્ટી વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ ૧,૬૯૪ કિલો ઘી સહિત ઘી બનાવવા માટે વપરાતો કાચો માલ, વનસ્પતિ ઘી, રિફાઇન્ડ સોયાબીન તેલ અને મશીનરી મળી કુલ ૧૮,૨૧,૧૬૩નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
ઉમરા-અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના પતરાના શેડવાળા ગોડાઉન નંબર-૧૮માં સન્ની મોદી અને કિશન મોદી નામના શખસો ભેળસેળવાળું ઘી બનાવી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળી. ઉત્રાણ પોલીસે બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવી પંચો અને ફૂડ સેફ્ટી અધિકારીઓને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સન્ની કલ્પેશભાઈ મોદી (ઉંમર ૨૬), કિશન મનોજભાઈ મોદી (ઉંમર ૨૬) અને કલ્પેશ સુંદરલાલ મોદી (ઉંમર ૪૭)નાં નામ સામે આવ્યાં હતાં. ત્રણેય મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના રહેવાસી હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.
પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેમાં ડાલડા વનસ્પતિ ઘીના ૧૫-૧૫ કિલોના ૩૫ ડબ્બા, રિફાઇન્ડ સોયાબીન તેલના ૧૫-૧૫ કિલોના ૩૨ ડબ્બા, ૭૯૫ કિલો છૂટક ઘી આ ઉપરાંત સાહસ પ્રીમિયમ ઘીના ૩૫ મિલીલીટરના ૩૦૦ પાઉચ તથા ઘી બનાવવા માટે વપરાતાં મશીનો અને સાધનો પણ મળી આવ્યાં હતાં.
આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ૧૮,૨૧,૧૬૩ આંકવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારીઓએ જથ્થો સીઝ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં અગાઉ ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. માધવ કેમ્પસના પ્લોટ નંબર-૧૮ ખાતે આવેલી મહાવીર ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનાને સુરત મહાનગરપાલિકાની પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીના ઘીનો નમૂનો નિર્ધારિત ધારાધોરણો મુજબનો ન હોવાનું એટલે કે ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર કરવામાં આવ્યો હતો.
સીઝ કરાયેલા જથ્થાનો નાશ કરવામાં આવશે અને જે આરોપીઓ આ ઘી બનાવતા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી અને દંડની જાગવાઈ પણ કરવામાં આવશે જોકે આ પ્રકારનું ઘી ખાવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ત્યારે આ લોકો આ ઘી બનાવી નજીકના લોકલ વિસ્તારોમાં લાંબા સમયથી વેચતા હતા જેને લઈને પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.


































