અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે સ્ત્રીરોગના કેન્સરથી પીડિત મહિલાઓને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ મળી રહે તે હેતુથી ગાયનેકોલોજીકલ કેન્સર સર્જરીઓને વેગ આપવામાં આવ્યો છે.
કેન્સર સર્જન ડા. નિકુંજ પટેલના નેતૃત્વ હેઠળ એમ.સી.એચ. ઓન્કો સર્જન ડા. વીર શાહ અને ડા. મિત રોજેસરા સહિતની નિષ્ણાત તબીબોની ટીમે તાજેતરમાં સ્ત્રીરોગના કેન્સરની ૧૦થી વધુ જટિલ સર્જરીઓ સફળતાપૂર્વક પાર પાડી છે. અહીં ગર્ભાશય, અંડાશય તેમજ પ્રજનનતંત્ર સંબંધિત કેન્સર માટે રોગના તબક્કા મુજબ લેપ્રોસ્કોપિક કે ઓપન સર્જરી તેમજ કીમોથેરાપી, રેડિયેશન અને ફોલોઅપનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.આ વ્યવસ્થાને સુદ્રઢ કરવા સ્થાનિક સ્ત્રીરોગ નિષ્ણાતોની એક બેઠક પણ યોજાઈ હતી, જેથી અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સારવાર માટે મોટા શહેરોમાં જવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.





































