ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મી પરંપરા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. આ સાંસ્કૃતિક ધરોહર માત્ર આપણા ભવ્ય ઇતિહાસનું ગૌરવ જ નથી પરંતુ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત, જીવનમૂલ્યોનો આધાર અને રાષ્ટ્રના સાંસ્કૃતિક આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ અમૂલ્ય વારસાને જાળવીને તેને આધુનિક અભિગમ સાથે નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવાની દિશામાં દ્વારકામાં ‘શ્રી કૃષ્ણ સંગ્રહાલય’નું નિર્માણ થઈ રહ્યું છે.
ચાર ધામ પૈકીના એક ધામ, ભારતની પવિત્ર સપ્તપુરીમાં સ્થાન ધરાવતી નગરી અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા આ સંગ્રહાલયના માધ્યમથી આધ્યાત્મીતા અને આધુનિકતાના અનોખા સમન્વયનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનદર્શન, દિવ્ય લીલાઓ, માનવમૂલ્યો અને શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના શાશ્વત સંદેશને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જનજન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને નવી પેઢી સમક્ષ જીવંત કરશે.
દ્વારકાધીશ મંદિરથી આશરે ૧.૬ કિલોમીટરના અંતરે કુલ રૂ. ૯૨.૭૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલું શ્રી કૃષ્ણ સંગ્રહાલય રાજ્ય સરકારનો મહ¥વાકાંક્ષી સાંસ્કૃતિક પ્રકલ્પ છે. આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, તેમની દિવ્ય લીલાઓ, તેમના તત્વજ્ઞાન અને ભગવદ્‌ ગીતાના જીવનોપયોગી સંદેશને એક જ સ્થળે, સુવ્યવસ્થિત અને આકર્ષક રીતે રજૂ કરવાનો છે. અહીં પરંપરાગત સંગ્રહાલયની કલ્પનાથી આગળ વધીને આધુનિક ડિજિટલ માધ્યમો દ્વારા મુલાકાતીઓને વિષય સાથે ભાવનાત્મક અને બૌદ્ધિક રીતે જોડશે.
સંગ્રહાલયમાં શ્રી કૃષ્ણના જીવનના અનુરૂપ વિવિધ નવ થીમ આધારિત ગેલેરીઓનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશેષ લેન્ડસ્કેપ વિસ્તાર, કમળ તળાવ, લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન શો અને એમ્ફિથિયેટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ તમામ વ્યવસ્થાઓ સંગ્રહાલયને જ્ઞાન, સૌંદર્ય, આધ્યાત્મીતા અને મનોરંજક શૈક્ષણિક અનુભવનું સંયુક્ત કેન્દ્ર બનાવવામાં સહાયક બનશે.
શ્રી કૃષ્ણ સંગ્રહાલયનું વિશેષ
આકર્ષણ તેની નવ થીમ આધારિત ગેલેરીઓ હશે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો અને તેમના તત્વજ્ઞાનના અલગ-અલગ આયામોને રજૂ કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી શરૂ થતી આ યાત્રામાં તેમની બાળલીલાઓ, ગોકુલ અને વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિય નાગનું મર્દન અને રાસલીલા જેવા પ્રસંગોને વિશેષ સ્થાન મળશે. આ ઉપરાંત મથુરા ગમન, કંસવધ, સુવર્ણનગરી દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં શ્રીકૃષ્ણની નિર્ણાયક ભૂમિકા પણ રજૂ કરાશે.
શિલ્પો, ચિત્રો, વિવિધ કળાકૃતિઓ, હસ્તકલા અને પ્રતિકૃતિઓ દ્વારા આ પ્રસંગોને દૃશ્યાત્મક રીતે રજૂ કરવામાં આવશે. પરિણામે મુલાકાતીઓ માટે શ્રીકૃષ્ણના જીવન અને તેમના ઉપદેશોને માત્ર વાંચવા કે સાંભળવા પૂરતા નહીં, પરંતુ અનુભવીને સમજવાની તક ઊભી થશે.
આધુનિક યુગમાં નવી પેઢી સુધી ઐતિહાસિક અને સાંસ્કૃતિક જ્ઞાન પહોંચાડવા માટે ટેકનોલોજી અત્યંત અસરકારક માધ્યમ બની છે. શ્રી કૃષ્ણ સંગ્રહાલયમાં આ બાબતને ધ્યાનમાં રાખીને અદ્યતન ડિજિટલ અને ઇમર્સિવ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે.