અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા દોઢ માસથી ફરાર કેદીને સુરતના પુણાગામમાંથી ઝડપી પાડ્યો છે.પકડાયેલો ૨૫ વર્ષીય પંકજ ઉર્ફે હાજો વિનુભાઈ સાથળિયા મૂળ અમરેલી જિલ્લાના સલડી ગામનો રહેવાસી છે. તેને વર્ષ ૨૦૨૦ના ગુનામાં પોક્સો કાયદા હેઠળ આજીવન કેદની સજા થઈ હતી અને તે લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. હાઈકોર્ટના આદેશથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ તેને ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે ફરાર થઈ ગયો હતો. અગાઉ ૨૦૨૪માં પણ પેરોલ પર મુક્ત થયા બાદ પાંચ માસ સુધી ફરાર રહ્યો હતો. પોલીસે તેને ફરી ઝડપી જેલ હવાલે કર્યો છે.







































