અમરેલીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જિલ્લામાં ૧૦ નવા યોગ વર્ગો શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોગ પ્રત્યે જાગૃતિ વધી છે.જિલ્લા કો-ઓર્ડિનેટર સાગર મહેતાના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં હાલમાં ૭૦થી વધુ નિયમિત યોગ વર્ગો કાર્યરત છે, જેમાં ૧૦૦થી વધુ યોગ ટ્રેનરો અને કોચ સેવા આપી રહ્યા છે. દરરોજ ૧૦૦થી વધુ યોગ સાધકો નિયમિત યોગાભ્યાસ કરે છે. બાબરા તાલુકાના મોટા દેવળિયા, લીલીયા તાલુકાના ક્રાંકચ અને ખાંભા તાલુકાના ઓઢા બાપુના સમઢિયાળા સહિતના ગામોમાં યોગનો લાભ મળી રહ્યો છે. યોગ સંવાદ દ્વારા લોકોને
જાગૃત કરી નવા યોગ વર્ગો શરૂ કરવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. યોગપ્રેમીઓ અને યુવાનોને અભિયાનમાં જોડાવા અપીલ કરાઈ છે.