દામનગર શહેરમાં નવરાત્રિ પૂર્વે ઉબડખાબડ અને ખાડાવાળા રસ્તાઓની તાત્કાલિક મરામત કરવા પ્રજામાંથી માંગ ઉઠી છે. શહેરમાં વિકાસ માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી થતી હોવા છતાં રસ્તાઓની મરામતમાં ઢીલ રાખવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી જેવા મહાનુભાવોના આગમન સમયે રાતોરાત રસ્તાઓ સુધારી દેવામાં આવતા હોય તો સામાન્ય પ્રજાની સમસ્યાનો સમયસર ઉકેલ કેમ નહીં, તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. સરદાર સર્કલથી સહકારી મંડળી, અજમેરા શોપિંગ સેન્ટર, રાભડા રોડ ચોકડી, નવા બસ સ્ટેન્ડ તથા છભાડિયા રોડ સુધીના માર્ગો વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીરૂપ બન્યા છે. પ્રાથમિક સમસ્યાઓનો સમયમર્યાદામાં ઉકેલ આવે તે જરૂરી છે. વિકાસ અને સેવા સંકલ્પની વાતો વચ્ચે રસ્તાની હાલત સુધારવા તંત્ર ક્યારે પગલાં લેશે તે ચર્ચાનો વિષય બન્યો છે.






































