ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત યુવા તથા પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર નાગરિકોની નોંધણી માટે તા.૧ ઓક્ટોબરથી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં લાયક નાગરિકો મતદારયાદીમાં નામ નોંધાવી શકશે તેમજ અગાઉથી નોંધાયેલા મતદારો પોતાની વિગતોમાં જરૂરી સુધારા કરાવી શકશે. નામ કમી કરવા માટેના નિયત ફોર્મ પણ રજૂ કરી શકાશે.અમરેલી જિલ્લામાં તા.૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર અને તા.૧ નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. આ દિવસોમાં જિલ્લાના ૧,૪૬૧ મતદાન મથકો પર બુથ લેવલ અધિકારીઓ સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી હાજર રહી નામ નોંધણી, વિગતોમાં સુધારા અને નામ કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાત્ર યુવાનો અને પ્રથમ વખત મતદાર બનનાર નાગરિકોને આ ઝુંબેશનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે મતદાર હેલ્પલાઇન ટોલ-ફ્રી નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે.



































