જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક વડલી રોડ પર આવેલા આનંદ મિનરલ પ્લાન્ટ ખાતે ગેરકાયદેસર રીતે રેતીનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની બાતમીના આધારે તંત્ર દ્વારા મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.
તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ની મોડી રાત્રે મહેસૂલ વિભાગના પ્રાંત અધિકારી, રાજુલા તથા મામલતદાર, જાફરાબાદ અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઉના તાલુકાની માલણ, ગાંગડા અને રાવલ નદીના પટ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનન કરી રેતીનો જથ્થો આનંદ મિનરલ ખાતે લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન તંત્રની ટીમે ત્રણ બિનઅધિકૃત ટ્રેક્ટર ઝડપી પાડ્યાં હતાં, જ્યારે કેટલાક ટ્રેક્ટરચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તંત્ર દ્વારા આનંદ મિનરલ પ્લાન્ટ સીઝ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ મામલે સંડોવાયેલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મોબાઇલ તથા અન્ય વિગતોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.



































