બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે અગાઉ થયેલી મારામારી અને દારૂના વેચાણ બાબતે ચાલતી અદાવતમાં એક પરિવારના ઘરે બે અજાણ્યા શખ્સોને મોકલી વૃધ્ધાને માર મારવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા તથા કારમાં તોડફોડ કરવા અંગે બાબરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.બનાવ અંગે પ્રવિણભાઇ રામજીભાઇ ચાવડા (ઉ.વ.૫૨)એ ત્રંબોડા ગામના યુવરાજભાઇ વિરકુભાઇ જેબલીયા તથા અજાણ્યા બે માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ઘુઘરાળા ગામે રહેતા તેમના પુત્ર જયેશ સાથે આજથી આશરે ૨૦-૨૧ દિવસ પૂર્વે આરોપી યુવરાજ વિરકુભાઈ જેબલીયા તથા બે અજાણ્યા શખ્સોએ મારામારી કરી હતી. આ બનાવ અંગે જયેશે ત્રણેય વિરુધ્ધ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન ગત તા. ૨૫/૦૯/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે ગામમાં આવેલી ચક્કી પાસે રામકુભાઈ ભીખાભાઈ હુદડ તથા ભલાભાઈ ભગવાનભાઈ ભેસાણીયા આરોપી યુવરાજનો દારૂ વેચતા હતા. તે વખતે ફરિયાદી ત્યાં પહોંચતાં બંને શખ્સો દારૂ મૂકીને નાસી છૂટ્યા હતા. આ બંને બાબતોનું મનદુઃખ રાખી આરોપી યુવરાજ જેબલીયાએ ફરિયાદીના ઘરે બે અજાણ્યા માણસોને મોકલ્યા હતા. આ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી તેમના માતાને બે લાફા મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, જયેશને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર બહાર પાર્ક કરેલી કારનો પાછળનો કાચ તોડી આશરે રૂ. ૩,૦૦૦નું નુકસાન કર્યું હતું.





































