ધારી તાલુકાના કરમદડી ગામે મોટરસાયકલ અડી જવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી પાંચ શખ્સોની ટોળકીએ એક યુવક પર લોખંડના પાઇપ અને ઢીકાપાટું વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા.બનાવ અંગે મિતેશભાઇ વિનુભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૧)એ ભવદિપભાઇ જયંતિભાઇ પાટડીયા, જયંતિભાઇ રવજીભાઇ પાટડીયા, સંગીતાબેન જયંતિભાઇ પાટડીયા, રાજુભાઇ કાળુભાઇ પાટડીયા તથા જયશ્રીબેન જયંતિભાઇ પાટડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી ગામમાં બેઠા હતા ત્યારે આરોપી જયંતિભાઈ પાટડીયાનો પુત્ર અર્જુન મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળ્યો હતો. આ દરમિયાન બાઇક ફરિયાદીને અડી જતાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખી તમામ પાંચેય આરોપીઓ એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચીને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદ રિધમભાઈને બેફામ ગાળો આપી હતી.ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીઓ પૈકી એકે ફરિયાદીને લાફા માર્યા હતા, જ્યારે અન્ય એક શખ્સે લોખંડનો પાઇપ ઉગામતાં ફરિયાદી સમયસૂચકતા વાપરી બચી ગયા હતા. જોકે, તે જ વખતે અન્ય એક આરોપીએ માથામાં લોખંડનો પાઇપ ફટકારી દીધો હતો. આ ઉપરાંત અન્ય આરોપીઓએ ડાબા પગમાં પાઇપ ફટકારી તેમજ ઢીકાપાટુંનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.





































