અમરેલી જિલ્લાના વિરડીયા નજીક આવેલા કેરાળા ગામે રેતી માફિયાઓના ત્રાસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મામલે કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઈ બી. રાઠોડ દ્વારા અમરેલીના જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને યોગ્ય નિકાલ લાવવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સરપંચે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કેરાળા ગામે રેતી માફિયાઓના વાહનોની સતત ગેરકાયદેસર અવરજવર રહેતી હોવાથી બાળકોને રસ્તો પસાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વાહનોના કારણે ગ્રામ પંચાયતની મિલકત સમાન ગટરલાઈનો અને પીવાના પાણીની પાઈપલાઈનો પણ અવારનવાર તૂટી જાય છે. આ ઉપરાંત ગામમાં ગમે ત્યાં રેતીના ઢગલા કરી દેવામાં આવે છે તેમજ ગોચરની જમીનમાં પણ દબાણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી સમગ્ર ગામના લોકોને પ્રશ્નો સર્જાયા છે.આ બાબતે અનેકવાર વહીવટી અને પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.