અમરેલી પોલીસ દ્વારા SDPay એપ્લિકેશન અને અપના પે વિરુધ્ધ ચાલી રહેલી તપાસમાં ડેટા એનાલિસિસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. શરૂઆતમાં આ એપ્લિકેશનના કુલ યુઝર્સનો આંકડો આશરે ૩ લાખ હોવાનું સામે આવ્યું હતું. જોકે, વધુ તપાસ અને ડેટાના ઝીણવટભર્યા એનાલિસિસ દરમિયાન યુઝર્સની સંખ્યા ૧૫ લાખથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ૬ લાખથી વધુ યુઝર્સના સરનામા સહિતની વિગતો પોલીસને મળી હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડમાં ગુજરાતના આશરે દોઢ લાખથી વધુ યુઝર્સ હોવાની માહિતી સામે આવી છે. આ સાથે જ કૌભાંડમાં સંડોવાયેલી રકમના આંકડામાં પણ મોટો વધારો થયો છે. અગાઉ આશરે રૂ. ૬૩૫ કરોડની રકમના કૌભાંડની તપાસ ચાલી રહી હતી, પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલા વધુ ડેટા એનાલિસિસ બાદ આ રકમ વધીને રૂ. ૧,૨૧૧ કરોડ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. એટલે કે અગાઉના આંકડા કરતાં કૌભાંડની રકમ લગભગ બમણી થઈ ગઈ છે. આ સમગ્ર નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત ન રહેતા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યો સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. આ કૌભાંડમાં અનેક પરિવારોએ પોતાની મહેનતથી કમાયેલા નાણાં ગુમાવ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. કૌભાંડની હકીકતો ધીમે ધીમે રાજ્યભરમાં સામે આવતાં રોકાણકારો હવે પોતાના નાણાં પરત મેળવવા માટે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી રહ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી પીડિતો દરરોજ અમરેલી સાયબર ક્રાઇમ કચેરીએ રૂબરૂ પહોંચી રહ્યા છે.આ દરમિયાન કચ્છના અંજારથી ૧૮ સભ્યોએ SDPay એપ્લિકેશનમાં કુલ રૂ. ૪૦ લાખનું રોકાણ કર્યું હોવાની વિગતો સામે આવી છે. આ પૈકી મોફા રસિક નામના રોકાણકાર અમરેલી સાયબર ક્રાઇમ કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેમણે નાણાં કેવી રીતે અને કઈ રીતે રોકાણ કરવામાં આવ્યા હતા તે અંગેની વિગતો સાથે સંબંધિત પુરાવા પણ પોલીસને સોંપ્યા હતા. હાલ અમરેલી પોલીસ દ્વારા અન્ય યુઝર્સ તેમજ બાકીના ઉપલબ્ધ ડેટાનું ઝીણવટભર્યું એનાલિસિસ દિવસ-રાત કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન જે રીતે નવા યુઝર્સ, સરનામાં અને નાણાકીય વ્યવહારોની વિગતો સામે આવી રહી છે, તેને જોતા આગામી સમયમાં આ કૌભાંડના આંકડા હજુ પણ મોટા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








































