અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી રેલવે સ્ટેશને નવી ટ્રેનોના સ્ટોપેજ અને સમયમાં સુધારો કરવા બાબતે વિજય એસ. ત્રિવેદી દ્વારા ભાવનગર ડ્ઢઇસ્ને લેખિત રજૂઆત કરાઈ છે. વીજપડી આસપાસના ૨૭ ગામોનું મુખ્ય કેન્દ્ર હોવા છતાં, બ્રોડગેજ બન્યા બાદ અહીં માત્ર બે લોકલ ટ્રેનો જ ફાળવાઈ છે, જ્યારે મીટરગેજ વખતે ૬ ટ્રેનો દોડતી હતી. મહુવા-બાંદ્રા અને મહુવા-સુરત ટ્રેનોને વીજપડી ખાતે ૧ થી ૨ મિનિટનું સ્ટોપેજ ન મળવાથી વેપારીઓ, મુસાફરો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ ઉપરાંત, મહુવા-ગાંધીગ્રામ (અમદાવાદ) રૂટ પર સવાર-સાંજ નવી ટ્રેન શરૂ કરવા, મહુવા-ભાવનગર ટ્રેનનો સમય બદલી કનેક્શન સેટ કરવા તેમજ સવારની ટ્રેનને બોટાદ સુધી લંબાવવા માંગ કરાઈ છે. આ વિસ્તારના હિતમાં રેલવે તંત્ર ત્વરિત નિર્ણય લે તે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોને પણ રજૂઆત કરવામાં આવી છે.







































