કોડીનાર શહેરમાં બસ સ્ટેન્ડ સામે મધરાત્રીના સમયે યુવાનને રોકી માર મારવા તેમજ ફાયરિંગ કર્યાના આક્ષેપથી ચકચાર મચી છે. બનાવ અંગે સાગર નરસિંહભાઈ શિયાળે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેયને ઝડપી લીધા હતા.ફરિયાદ મુજબ, ગત રાત્રે આશરે દોઢ વાગ્યે સાગરભાઈ મોટરસાયકલ લઈને બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા. દરમિયાન કુલદીપભાઈ વાઢેર, બીપીનભાઈ વાઢેર, તુષાર ઉર્ફે ચંદુ ચુડાસમા અને રિપલ ગોહિલે તેમને રોકી જૂની અદાવતના મામલે માર માર્યો હતો. હુમલા દરમિયાન હથિયારથી ફાયરિંગ તથા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાનો પણ આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. ફાયરિંગ થયું હતું કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.










































