ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ ૨૦૨૪માં એક એવોર્ડ સમારોહ માટે અમેરિકા અને દુબઈના પ્રવાસે ગયેલા પૂર્વ કુલપતિએ પોતાના અંગત વપરાશની વસ્તુઓના બિલ પણ યુનિવર્સિટીના ફંડમાંથી પાસ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં દુબઈ એરપોર્ટ પરથી કરેલી ખરીદી ઉપરાંત ન્યૂ જર્સીના ઝારા અને સેફોરા સ્ટોરમાંથી લીધેલી લિપસ્ટિક, આઈલાઈનર, બ્યુટી પ્રોડક્ટ્‌સ અને ડ્રેસ જેવી અંદાજે ૩૮૬ અમેરિકન ડોલરની ચીજવસ્તુઓના બિલનો સમાવેશ થાય છે. હાલ નિવૃત્ત જજ દ્વારા ચાલી રહેલી તપાસ વચ્ચે આ વિદેશી ખરીદીના બિલ જાહેર થતાં યુનિવર્સિટી વર્તુળમાં ભારે સળવળાટ મચી ગયો છે.
વર્ષ ૨૦૨૪ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એક એવોર્ડ સ્વીકારવાના હેતુથી અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓ વાયા દુબઈ થઈને અમેરિકા પહોંચ્યા હતા. ઝી ૨૪ કલાક પાસે આવેલા વિશિષ્ટ દસ્તાવેજા અને બિલ અનુસાર, આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમણે પોતાના અંગત વપરાશ માટે મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી અને તેના બિલો યુનિવર્સિટીના ખાતે ઉધારવા મૂક્યા હતા.
સામે આવેલા બિલની વિગતો મુજબ, પૂર્વ કુલપતિએ પોતાના પ્રવાસ દરમિયાન વિવિધ બ્રાન્ડેડ સ્ટોર્સમાંથી કોસ્મેટિક્સ અને કપડાંની ખરીદી કરી હતી. જેમાં દુબઈ એરપોર્ટ પરથી ૯૭.૫૦ અમેરિકન ડોલરની વિવિધ વસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી. ન્યૂ જર્સી સ્થિત ઝારા સ્ટોરમાંથી ૧૪૯ ડોલરના ટ્રેન્ડી ડ્રેસ અને કપડાં ખરીદાયા હતા. જાણીતી બ્યુટી બ્રાન્ડ સેફોરામાંથી ૧૩૯ ડોલરની લિપસ્ટિક, આઈલાઈનર અને અન્ય બ્યુટી પ્રોડક્ટ્‌સ ખરીદવામાં આવી હતી. અમેરિકાના સમગ્ર પ્રવાસ દરમિયાન કુલ ૩૮૬ અમેરિકન ડોલરની અંગત વસ્તુઓની ખરીદી કરીને તેના બિલ ચૂકવણી માટે ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ થયેલી નાણાકીય અનિયમિતતાઓ અને વહીવટી ગેરરીતિઓની તપાસ હાલમાં નિવૃત્ત જજની અધ્યક્ષતાવાળી સમિતિ કરી રહી છે. આ તપાસ પ્રક્રિયા ચાલુ છે તે દરમિયાન જ પૂર્વ કુલપતિના લિપસ્ટિક અને મેકઅપના સામાનના બિલ સામે આવતા યુનિવર્સિટીના નાણાંનો કઈ રીતે વ્યક્તિગત મોજશોખ માટે દુરુપયોગ થતો હતો તે ખુલ્લું પડી ગયું છે. આ મુદ્દે હવે આગામી દિવસોમાં વધુ કડક તપાસ અને કાનૂની કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.