સાવરકુંડલામાં દોઢ ઈંચ, બગસરામાં એક ઈચ વરસાદ ખાબક્યો,પાકને જીવનદાન

અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ જારદાર વરસાદી ઝાંપટા પડ્યા હતા. સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નવજીવન મળવાની આશા જાગી છે. સાવરકુંડલા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. ચોમાસા દરમિયાન વરસાદના વિરામ બાદ ફરી મેઘમહેર થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. શહેર ઉપરાંત પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેના કારણે ખેતીલાયક જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. ખેડૂતોમાં આગામી દિવસોમાં પાકની સારી વૃદ્ધિ અને ઉત્પાદનની આશા મજબૂત બની છે. ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાક માટે આ વરસાદ ફાયદાકારક બની રહે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.દરમિયાન બગસરા શહેર અને પંથકમાં પણ બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. રાતથી જ બગસરા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થયું હતું. ત્યારબાદ વહેલી સવારથી વરસાદી માહોલ વધુ ઘેરો બન્યો હતો. બગસરા પંથકના આશરે ૩૪ ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. અનેક ગામોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતાં ઉભા પાકને રાહત મળવાની શક્યતા છે.બગસરા પંથકમાં વરસેલા વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. હાલ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા વચ્ચે ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. ફરી શરૂ થયેલી મેઘમહેરથી સાવરકુંડલા અને બગસરા પંથકના ખેડૂતોમાં પાકની વૃદ્ધિ અને સારા ઉત્પાદન અંગે આશાવાદ વધ્યો છે.