જૂનાગઢ ખાતે કોળી શક્તિ યુવક મંડળ અમરેલી દ્વારા ૭૭મા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા યુવક-યુવતીઓનો વેવિશાળ મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૦૨૫ યુવક-યુવતીઓએ ફોર્મ ભરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ભવનાથ તળેટીના તળપદા કોળી પ્રમુખ ભુપતભાઈ ડાભી, દિનેશભાઈ ચુડાસમા, જયંતીભાઈ પોરડિયા અને કરશનભાઈ ડાભીના હસ્તે દીપ પ્રગટાવીને કરાયું હતું. સમારંભ પ્રમુખ આલ્ફા હાઇસ્કૂલના સંચાલક શ્રી જી. પી. કાઠીએ સમાજસેવા અને શિક્ષણને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં સામતભાઈ બાલાસ, નીતિનભાઈ વાઢીયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે મંડળ પ્રમુખ રમેશભાઈ ગોહિલ, પરષોત્તમભાઈ મકવાણા, ભીખુભાઈ મકવાણા, કલ્પેશભાઈ બાવરીયા, રમેશભાઈ ડાભી અને હરેશભાઈ ગોહિલે જહેમત ઉઠાવી હતી.









































