વંદુ નામે એક વંદો હતો. તેને રાત્રે રસોડામાં ફરવાની બહુ મજા આવતી. એક રાત્રે વંદુએ જોયું કે રસોડાના ખૂણામાં બિસ્કિટનો એક ટુકડો પડ્યો હતો.
વંદુ બોલ્યો,
“વાહ! આજે તો મારી લોટરી લાગી!”
તે બિસ્કિટ તરફ દોડ્યો.
એટલામાં તેને એક વિચાર આવ્યો.
“જો હું આ રસોડાનો ચોકીદાર બની જાઉં તો?”
વંદુએ છાતી ફુલાવીને કહ્યું,
“આજથી હું છું… રસોડાનો ચોકીદાર વંદુ!”
તે એક ચમચી પાસે ઊભો રહી ગયો.
“સાવધાન! રસોડામાં કોઈ ચોર ન આવવો જોઈએ!”
થોડી વાર પછી તેને ખખડાટ સંભળાયો.
ખખડ… ખખડ…
વંદુ ગભરાઈ ગયો.
“કોણ છે?”
ત્યાંથી એક નાની કીડી બહાર આવી.
કીડી બોલી,
“હું છું. મને થોડી ખાંડ જોઈએ છે.”
વંદુએ મૂછ પર હાથ ફેરવતા કહ્યું,
“ઓહ! પણ તમારૂ ઓળખપત્ર તો બતાવો!”
કીડી હસીને બોલી,
“ચોકીદાર સાહેબ! હું તો કીડી છું. મારું ઓળખપત્ર તો મારું નાનું ઘર છે!”
વંદુ પણ હસી પડ્યો.
“ચાલ, જા. પણ શાંતિથી જજે!”
થોડી વાર પછી ફરી અવાજ આવ્યો.
ટપ… ટપ… ટપ…
વંદુએ વિચાર્યું,
“આ વખતે તો ચોક્કસ કોઈ ચોર આવ્યો લાગે છે!”
તે ધીમે ધીમે આગળ વધ્યો.
અચાનક એક ગરોળી દિવાલ પરથી નીચે આવી.
“અરે! ગરોળીબેન!”
વંદુ દોડવા લાગ્યો.
ગરોળી બોલી,
“ચોકીદાર સાહેબ! તમે જ તો કહ્યું હતું કે ચોરને રોકવો!”
વંદુ અટકી ગયો.
“હા… પણ તમે તો મને જ પકડવા આવ્યાં!”
ગરોળી હસીને બોલી,
“હું તો ફક્ત દીવાલ પર ફરવા આવી છું.”
વંદુએ રાહતનો શ્વાસ લીધો.
“ચાલો, આજે તમને માફી!”
એટલામાં વંદુની નજર ફરી બિસ્કિટના ટુકડા પર પડી.
“અરે! મારું બિસ્કિટ!”
તે બિસ્કિટ તરફ દોડ્યો.
પણ…
ચપાક!
તેનો પગ બિસ્કિટના ટુકડા પર લપસી ગયો. વંદુ સીધો લોટના ડબ્બા પાસે જઈને પડ્યો. તેના આખા શરીર પર સફેદ લોટ ચોંટી ગયો.
કીડી આવી અને બોલી,
“અરે વાહ! વંદુ તો સફેદ થઈ ગયો!”
ગરોળી બોલી,
“ચોકીદાર નહીં, આજે તો લોટીદાર!”
બધાં ખડખડાટ હસવા લાગ્યાં.
વંદુ પણ હસવા લાગ્યો.
“હા ભાઈ! ચોકીદારી કરતાં પહેલાં ચાલવાનું શીખવું પડશે!”
સવારે ઘરના બાળકને રસોડામાં લોટના નાના નાના પગલાં દેખાયાં.
તે બોલ્યું,
“મમ્મી! રસોડામાં કોઈ આવ્યું હતું કે શું?”
મમ્મી હસીને બોલ્યાં,
“ના રે! કદાચ કોઈ નાનકડો મહેમાન આવ્યો હશે.”
રાત્રે વંદુ ફરી રસોડામાં આવ્યો.
આ વખતે તેણે પહેલાં બિસ્કિટને જોયું, પછી લોટને જોયો.
તે બોલ્યો,
“આજે બિસ્કિટ નહીં! પહેલાં ફરજ, પછી નાસ્તો!”
અને તે છાતી ફુલાવીને બોલ્યો,
“રસોડું સુરક્ષિત છે! ચોકીદાર વંદુ હાજર છે!”
દૂરથી ગરોળી બોલી,
“અને લોટીદાર વંદુ પણ!”
“હાહાહા!”
આખું રસોડું હાસ્યથી ગુંજી ઊઠ્યું.
મો. ૯૦૯૯૧૭૨૧૭૭











































