ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચાર અને અનિયમિતતા સામે કડક કાર્યવાહી કરતા મહેસાણાના સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ્‌સ (વર્ગ-૧) બી.કે. શાહ અને ભાવનગરના જમીન દફતર નિરીક્ષક કે.એ. પંડ્યાને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જમીન સર્વે અને દફ્તર સંદર્ભે વ્યાપક ફરિયાદો મળ્યા બાદ મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સાથે પરામર્શ કરીને ગાંધીનગરથી ખાસ તપાસ ટીમો મોકલી હતી. આ સ્થળ તપાસ દરમિયાન બંને અધિકારીઓની કામગીરીમાં ગેરરીતિઓ સ્પષ્ટપણે સાબિત થતાં રાજ્ય સરકારે ત્વરિત પગલાં લીધા છે. વહીવટી તંત્રમાં શિસ્ત જાળવવા અને નાગરિકોના પ્રશ્નોનું પારદર્શક નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રીની આ કડક કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
મુખ્યમંત્રીના આદેશ અનુસાર, મહેસાણાના સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ (વર્ગ-૧) બી.કે.શાહ પટેલ અને ભાવનગરના જમીન દફતર નિરીક્ષક કે.એ. પંડ્યાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બંને અધિકારીઓ સામે જમીન દફતર અને સર્વેની કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ આચર્યાની ફરિયાદો મળી હતી, જેને વહીવટી તંત્ર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જમીન સર્વે અને જમીન દફ્તર સંદર્ભે વ્યાપક ફરિયાદો મળી હતી. આ માખણમાંથી વાળ કાઢવા જેવી સ્થિતિ ન સર્જાય તે માટે મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સાથે ઉચ્ચ સ્તરીય પરામર્શ કર્યો હતો. આ બેઠક બાદ ગાંધીનગરથી એક વિશેષ તપાસ ટીમ સીધી મહેસાણા અને ભાવનગર રવાના કરવામાં આવી હતી. આ ટીમે સ્થળ પર જઈને દસ્તાવેજા અને કામગીરીની ઝીણવટભરી ચકાસણી કરી હતી.
ગાંધીનગરથી ગયેલી તપાસ ટીમના અહેવાલમાં મહેસાણા અને ભાવનગર બંને સ્થળોએ મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું હતું. આ રિપોર્ટના આધારે વહીવટી શિસ્ત જાળવી રાખવા માટે સરકારે તાત્કાલિક ધોરણે બંને અધિકારીઓ વિરુદ્ધ સસ્પેન્ડના આદેશો જારી કર્યા છે. સરકારના આ કડક વલણને કારણે ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને જમીન મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.