બાબરા તાલુકાના કોટડાપીઠા, કરણકી, ઉંટવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો અને પશુપાલકો ગંભીર સંકટમાં મુકાયા છે. ચોમાસાની શરૂઆતમાં મોંઘા બિયારણ અને ખાતર પાછળ ભારે ખર્ચ કરીને વાવેતર કર્યા બાદ હવે સિંચાઈના અભાવે મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો સુકાઈ રહ્યા છે. કૂવા, બોર, નદી અને તળાવો ખાલી થતાં ઊભા પાક સાથે ઘાસચારાની પણ તીવ્ર અછત સર્જાઈ છે, જેની અસર તહેવારો પર પણ પડી રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા સ્થાનિક ખેડૂતો અને અગ્રણીઓએ સરકાર સમક્ષ તાકીદે રજૂઆત કરી છે કે સૌની યોજના અંતર્ગત પસાર થતી પાઇપલાઇનમાં વાલ્વ મૂકવામાં આવે. કરણકી વીડ અને કોટડાપીઠાના ધોબીયારા
તળાવ પાસે વાલ્વ મૂકીને સ્થાનિક તળાવો તેમજ સોનધુનાની નદી પર આવેલા ચેકડેમો ભરવામાં આવે, જેથી સિંચાઈ અને પશુઓ માટે પાણીની તાત્કાલિક રાહત મળી રહે.








































