અમરેલી જિલ્લામાં વરસાદમાં વિલંબ થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. સાવરકુંડલા પંથકમાં સમયસર વીજળી ન મળતા ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ હતી. ખેતરોમાં પાણી આપવા માટે પૂરતો પાવર ન મળતા પાંચથી વધુ ગામોના ખેડૂતો સાવરકુંડલા PGVCL ડિવિઝન કચેરીએ પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.થોરડી, આદસંગ, દેતડ, આગરિયા અને આંબરડી સહિતના ગામોના ખેડૂતો આંદોલનમાં જોડાયા હતા. વરસાદના અભાવે પાક સુકાઈ રહ્યો છે ત્યારે અનિયમિત વીજપુરવઠાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂત મહેશ ચોડવડિયાના જણાવ્યા મુજબ આંબરડી ૬૬ KVમાંથી નીકળતા થોરડી AG ફીડર પર અંદાજે ૫૬૦ વીજ ગ્રાહકો જોડાયેલા હોવાથી ઓવરલોડની સમસ્યા સર્જાય છે. ખેડૂતો દ્વારા નિયમિત અને પૂરતો વીજપુરવઠો આપવા માંગ કરવામાં આવી છે.









































