વડિયા-કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ અને લોકજાગૃતિના હેતુથી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સપ્તરંગી મહા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદલ-દડવા ગામેથી હનુમાન ખીજડીયા સુધી ૫૫૧ બાઈક સાથે ભવ્ય મહારેલી યોજી ૪૫ ગામોના લોકોને ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાવવા અપીલ કરવામાં આવી હતી.બાઈક રેલીનું સમાપન હનુમાન ખીજડીયા ગામની ભુવા વાડી ખાતે થયું હતું, જ્યાં વિશાળ સભા અને સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના સંચાલકો, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, સંતો-મહંતો, ગૌભક્તો, શહીદ અને નિવૃત્ત સૈનિકો, અધિકારીઓ, શતાયુ વૃદ્ધો, સંયુક્ત પરિવારના વડાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ પિયુષભાઈ ગુણા દ્વારા ટ્રસ્ટની ભાવિ લોકજાગૃતિ, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. અંતે ઉપસ્થિત સૌ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.