ગોંડલના વ્યસ્ત ત્રણ ખૂણીયા વિસ્તારમાં આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં અચાનક આવી ગયેલા બાઇક ચાલકને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બેકાબૂ બનેલી કાર સીધી એક બંધ દુકાનના શટર સાથે ધડાકાભેર અથડાઇ હતી.જેતપુરના રવિભાઈ વોરા (ઉ.વ. ૩૫) પોતાના પરિવાર સાથે રૂપાવટી મહાપ્રભુજીની બેઠકે દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માત દરમિયાન કારે અન્ય બે બાઇકને પણ અડફેટે લીધાં હતાં. કારમાં સવાર મહિલા અને બાઇક ચાલકો સહિતના લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.સદનસીબે રવિવાર હોવાથી બજાર અને સંબંધિત દુકાન બંધ હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક મદદ પૂરી પાડી હતી.









































