લાઠી પંથકમાં સગીરાને ધાકધમકી આપી, અશ્લીલ વીડિયો બનાવી સાતત્યપૂર્ણ સતામણી અને દુષ્કર્મ આચરવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લાઠીના આંબરડી ગામના ભૌતિક વિપુલભાઈ તળાવીયા, નિકુલ રાજુભાઈ ડેર, સાગર વિપુલભાઈ નાથાણી તથા જોગડદાસ રાવળ સામે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ સગીરાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેના અશ્લીલ ફોટા અને વીડિયો પડાવી સોશિયલ મીડિયા પર મેળવી લીધા હતા. આ સામગ્રી વાયરલ કરવાની ધમકી આપી આરોપી અવારનવાર બળાત્કાર ગુજારતો હતો.આ ઉપરાંત અન્ય આરોપીઓએ પણ વીડિયો-ફોટા વાયરલ કરવાની ધમકી આપી, ઇન્સ્ટાગ્રામ વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન રેર્કોડિંગ કરી લીધું હતું. ત્યારબાદ બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો વાયરલ કર્યો હતો. આરોપીઓએ વીડિયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા તેમજ ન્યૂડ વીડિયો કોલ કરવા દબાણ પણ કર્યું હતું.ચારેય શખ્સોએ સમાન ઈરાદા સાથે દુષ્કર્મ આચરી, છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આ અંગે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કેસની વધુ તપાસ દામનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ. જી. જાડેજા ચલાવી રહ્યા છે.










































