ઉના તાલુકાના રામપરા ગામની સીમમાંથી ગુરુવારે બપોરે આશરે ૫થી ૯ વર્ષની સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી હતી. સ્થાનિક સરપંચે જાણ કરતાં જસાધાર વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં સિંહણના મોઢા, પાછળના ભાગ અને પાછળના પગ પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. મૃતદેહ પર જીવાત પડી ગયેલી હોવાથી તે અત્યંત કોહવાયેલી હાલતમાં હતો. વનવિભાગના જણાવ્યા મુજબ મૃતદેહ એકાદ દિવસ જૂનો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
રામપરાની સીમમાં નર સિંહની અવરજવર રહેતી હોવાથી સિંહ-સિંહણ વચ્ચે ઇનફાઇટ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.