પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી તથા અમરેલી વડી કચેરી દ્વારા ખાનગી એજન્સી સાથે મેળાપીપણું કરી કરોડો રૂપિયાનો ગોટાળો અને ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સાથે રામદેવસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. એજન્સીને નિભાવણી માટે આશરે રૂપિયા ૫ કરોડનું ટેન્ડર મળ્યું હોવાનું જણાવાયું છે.ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે પાણી વિતરણ વ્યવસ્થામાં યોગ્ય રીતે ક્લોરીન નાખવામાં આવતું નથી અને પંપિંગ સ્ટેશનો પર ગંદકી જોવા મળે છે. ચોમાસા દરમિયાન ડહોળું પાણી વિતરણ થતું હોવાથી લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત એજન્સી દ્વારા કર્મચારીઓના નામે પગારની ચૂકવણીમાં પણ ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ છે. મિકેનિકલ અને સિવિલ વિભાગમાં બોગસ નામો દર્શાવી પગાર ઉપાડવા, એકસરખા નામો દર્શાવવા તેમજ રજીસ્ટરમાં અસંખ્ય બોગસ નામો નોંધાવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પરિવારના સભ્યોના નામે પણ ખોટા પગાર ઉપાડ્‌યા હોવાના આક્ષેપ છે. સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.