સાવરકુંડલાના ગાધકડા ગામની હાઈસ્કૂલ ખાતે ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળામાં સતત ૩૩ વર્ષ સુધી સેવા આપનાર શિક્ષક કિશોરભાઈ રાવના હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું હતું. શાળામાં દીર્ઘકાળ સુધી અમૂલ્ય યોગદાન આપ્યા બાદ કિશોરભાઈ રાવ દ્વારા લેવાયેલી સ્વૈચ્છિક નિવૃત્તિ નિમિત્તે ધ્વજવંદન બાદ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે કેળવણી મંડળ અને શાળા પરિવારે કિશોરભાઈને શાલ ઓઢાડી, મોમેન્ટો તેમજ વિશેષ સ્મૃતિભેટ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું. આચાર્ય મલયભાઈ ભટ્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કિશોરભાઈની કર્તવ્યનિષ્ઠા અને સમર્પણભાવની પ્રશંસા કરીને તેમના નિવૃત્ત જીવન માટે સુખી, સ્વસ્થ અને દીર્ઘાયુની શુભકામનાઓ પાઠવી હતી. આ સમારોહમાં ગામના સરપંચ સુનિલભાઈ કલાણીયા, કેળવણી મંડળના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણી જાની પરિવાર, શાળા પરિવાર, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







































