અમરેલી-સાવરકુંડલા રોડ પર મોડી રાત્રે રખડતા ઢોરના કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હુડકો સોસાયટી નજીક રોડ પર બેઠેલી ત્રણ ગાયો અચાનક ટ્રક ચાલકની નજરે પડતા તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે ટ્રક રોડની સાઈડમાં આવેલી ગટરમાં ખાબક્યો હતો. અકસ્માતમાં રોડ પર બેઠેલી ત્રણેય ગાયોના મોત થયા હતા, જ્યારે ટ્રક ચાલકનો સદનસીબે બચાવ થયો હતો. અકસ્માત બાદ ક્રેનની મદદથી ટ્રકને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો પ્રશ્ન લાંબા સમયથી યથાવત છે. રાત્રિના સમયે અંધારામાં રસ્તા પર બેઠેલા પશુઓ નજરે ન પડતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. બનાવ બાદ સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા ઢોરને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે.