મહેસાણા તાલુકાના પાંચોટ આનંદપુરા વિસ્તારમાં કારનો કાચ તોડી રોકડ રકમની ચોરીનો બનાવ સામે આવ્યો છે. કાર માલિકે અગાઉ ડ્રાઈવર તરીકે કામ કરતા બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બંનેને દારૂ પીવાની ટેવ અને નાણાકીય લેવડ-દેવડના મુદ્દે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મહેસાણા તાલુકાના પાંચોટ આનંદપુરામાં રહેતા મહેશભાઈ માધવલાલ પટેલ ખેતી તેમજ સ્કૂલવાનનો વ્યવસાય કરે છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાંજના સમયે તેઓ બાળાવીર મંદિર પાસે સ્મશાનના ગેટ નજીક પોતાની અલ્ટો કાર લઈને ઊભા હતા. દરમિયાન તેમના વાનના ડ્રાઈવર અરવિંદજી ઠાકોર ઈકો કાર લઈને ત્યાં આવ્યા હતા.
મહેશભાઈને તેમની સાથે લેવડ-દેવડના કામે જવાનું હોવાથી તેઓ ઉતાવળ અને વરસાદના કારણે પોતાની અલ્ટો કાર લોક કર્યા વિના જ ત્યાંથી ગયા હતા. થોડા સમય બાદ પરત ફર્યા ત્યારે કારનો આગળનો કાચ ઈંટના રોડાથી તોડી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
કાર તપાસતા આગળનો કાચ તૂટેલો હતો અને અંદરના ડ્રોઅરમાં રાખવામાં આવેલા ૫૦ હજાર રોકડા ગાયબ હોવાનું માલિકના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે આસપાસની સ્થિતિ અંગે તપાસ કરી હતી.
ફરિયાદ મુજબ, કાર મૂકવામાં આવી ત્યારે આશરે ૧૦૦ મીટર દૂર આગળના કાચ પર ‘માં’ લખેલી સફેદ ઈકો કાર ઊભી હતી. તેમાં સંદીપભાઈ હરિભાઈ ઠાકોર અને નિકુલજી ઉર્ફે સેંધાજી વિષ્ણુજી ઝાલા બેઠેલા હોવાનું મહેશભાઈએ જણાવ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બંને શખસો અગાઉ મહેશભાઈની ગાડીમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. જાકે, દારૂ પીવાની ટેવ અને ૧૮ હજારની લેવડ-દેવડના મુદ્દે ચાર મહિના અગાઉ બંનેને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા.
મહેશભાઈએ આક્ષેપ કર્યો છે કે અગાઉની અદાવત રાખીને બંને શખસોએ તેમની કારનો આગળનો કાચ ઈંટના રોડાથી તોડી નુકસાન પહોંચાડ્યું અને ત્યારબાદ કારના ડ્રોઅરમાંથી ૫૦ હજાર રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા.
સમગ્ર મામલે મહેશભાઈ પટેલે બંને શખસો સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા શખસોની ભૂમિકા સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.










































