રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી અને બિનઅધિકૃત ઉત્ખનન સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ અને શાપર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે પીઠડીયા અને શાપર વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદે ખનીજ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ ટીમે પીઠડીયા અને શાપર વિસ્તારમાં આવેલી ખાણો તથા બિનઅધિકૃત ઉત્ખનન સ્થળો પર તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોઈ જરૂરી મંજૂરી વિના ખનીજનું ઉત્ખનન અને વહન કરતા ચાર શખ્સોને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.
કાર્યવાહી દરમિયાન પોલીસે ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા ભારે વાહનો,જેસીબી, ડમ્પર તથા ઉત્ખનનના અન્ય સાધનો સહિત કુલ રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ વાહનો અને સાધનો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાર આરોપીઓની ધરપકડ બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગેરકાયદે રીતે કાઢવામાં આવતું ખનીજ ક્યા સપ્લાય કરવામાં આવતું હતું, આ પ્રવૃત્તિ પાછળ અન્ય કોણ સંકળાયેલું છે અને સમગ્ર રેકેટનું સંચાલન કોણ કરતું હતું તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.
પોલીસની આ મોટી કાર્યવાહીથી રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ઉત્ખનન અને ચોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ લોકોના નામ સામે આવવાની શક્યતા છે.










































