બાબરાના ગરણી ગામે સીમ વિસ્તારમાં તારા વાવેતરનું જે કંઈ છે તે સંકેલી લેજે કહીને ગાળો આપવામાં આવી હતી. ઉપરાંત જાનથી મારવાની ધમકી પણ આપી હતી.બનાવ અંગે ગરણી ગામે રહેતા જીગ્નેશભાઈ જયસુખભાઈ લીંબાસીયાએ જસદણમાં રહેતા લાભુભાઈ ગોબરભાઈ લીંબાસીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રૂપારેલ સીમ તરીકે ઓળખાતી સીમમાં પોતાની વાડીમાં સનેડા ટ્રેક્ટરથી સાતી હાંકતા હતા. ત્યારે સાંજના આશરે સાડા ચાર વાગ્યે આરોપી લાભુભાઈ ગોબરભાઈ લીંબાસીયા શેઢા પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, તારા વાવેતરનું જે કંઈ છે તે સંકેલી લેજે અને પાવરનું સબ સ્ટેશન છે તે પણ ઉખાડી લેજે. જેથી જીગ્નેશભાઈએ કહ્યું કે, આ બધું મારી જમીનમાં છે, અમે તમારી જમીનમાં કંઈ કરેલ નથી.આ સાંભળી આરોપીને સારું નહીં લાગતા તેમણે જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે સામા પક્ષે લાભુભાઈ ગોબરભાઈ લીંબાસીયાએ જીગ્નેશભાઈ જયસુખભાઈ લીંબાસીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની વાડીએ જવાની પગદંડી ઉપર મકાઈનું વાવેતર કરેલું હતું. જે બાબતે તેમણે આરોપી જીગ્નેશભાઈને ઠપકો આપતા આરોપીને સારું નહોતું લાગ્યું અને ઢીકાપાટુનો માર મારી શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








































