કોડીનારમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શનમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માનવ તસ્કરી વિરોધ દિવસ નિમિત્તે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને માનવ તસ્કરી શું છે, તેના વિવિધ સ્વરૂપો, તેના કારણો, સમાજ પર થતી ગંભીર અસરો તથા તેનાથી બચવા માટે રાખવાની સાવચેતીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને બાળકી અને મહિલાઓને નિશાન બનાવી કરવામાં આવતી માનવ તસ્કરી, સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડી, ખોટી નોકરીની લાલચ અને બાળ મજૂરી જેવા મુદ્દાઓ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.સેમિનારમાં પીડિત વ્યક્તિઓના અધિકારો, સરકાર દ્વારા ઉપલબ્ધ કાનૂની સુરક્ષા, નિઃશુલ્ક કાનૂની સહાય તથા પુનર્વસનની વ્યવસ્થાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ અંગે સમયસર પોલીસ અથવા સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરવાની અપીલ કરવામાં આવી. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ મકવાણા, આચાર્ય નિમુબેન ચાવડા, બી.જે દહીમા વગેરે સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી.







































