ધોરાજી શહેરમાં રસ્તા અને પાણીના પ્રશ્નો ક્યારેય પૂરા થતા નથી. તંત્ર દ્વારા આ પ્રશ્ને ક્યારેક કાયમી નિરાકરણ કરવામાં આવતું ન હોવાથી ધોરાજીની જનતામાં રોષની લાગણી જોવા મળી રહી છે. શહેરમાં ચોમાસાનો વરસાદનો પ્રથમ રાઉન્ડ આવ્યા બાદ વિવિધ રસ્તાની હાલત કફોડી બની છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરાજીના યુવા અને સામાજિક અગ્રણી અવિનાશ વઘાસિયા અને પ્રશાંત ચાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ચોમાસાના વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ ધોરાજી શહેરમાં અનેક જગ્યાઓએ રોડ રસ્તા તૂટીફૂટી ગયા છે છેલ્લા આઠ દસ દિવસથી વરસાદ નથી તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડા પૂરવામાં આવતા નથી. નાગરિક બેંકથી લઈને જેતપુર રોડ તરફ અને નાગરિક બેંકથી ત્રણ દરવાજા, મુખ્ય બજાર, સોની બજાર અને શાક માર્કેટ તરફ જતો મુખ્ય માર્ગ પણ ખાડાઓથી ભરાઈ ગયો છે. આથી શાળાએ જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ,
વૃધ્ધો અને વાહન ચાલકોએ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ ચોક સુધી બનેલો સિમેન્ટ રોડ લોકાર્પણ થાય તે પહેલા તૂટી જતા એ રોડ ખોદીને ફરી નવો બનાવો પડ્યો છે. બીજી તરફ સરદાર ચોક તરફનો સિમેન્ટ નો રોડ પણ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે. ઉપલેટા રોડ પર સિમેન્ટ રોડ નું કામ ચાલ્યું હતું જેમાં પણ તિરાડો પડી જતા સ્થાનિક લોકોએ ઉહાપોહ કર્યો હતો. બીજી તરફ જુનાગઢ રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ નું કામ ચાલતું હોવાથી ત્યાંથી પસાર થતાં નાના વાહનો માટે પણ સારા વૈકલ્પિક રોડ ની વ્યવસ્થા કરવામાં આવી નથી. નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન વરસાદને કારણે જે રોડ રસ્તા ખરાબ થયા છે. તેને વહેલાસર રીપેર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે.






































