અમરેલી ખાતે ભારતીય મજદૂર સંઘ (BMS) અમરેલી જિલ્લાની પ્રથમ ત્રિવાર્ષિક સાધારણ સભા જિલ્લા અધ્યક્ષ નીતિનભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ. આ પ્રસંગે વિવિધ નવ યુનિયનના પ્રતિનિધિઓ અને પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કાર્યકર્તાઓએ શહેરમાં ઉત્સાહભેર રેલી યોજીને વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. સભામાં ગત વર્ષના હિસાબો અને વાર્ષિક અહેવાલ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. આગામી ગુજરાત પ્રદેશ અધિવેશન અંગે માર્ગદર્શન આપ્યા બાદ નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે નીતિનભાઈ ઠાકર, જિલ્લા મંત્રી તરીકે ભરતભાઈ બથવાર, સંગઠન મંત્રી તરીકે પરેશભાઈ મહેતા અને કોષાધ્યક્ષ તરીકે રફીકભાઈ સૈયદની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મહેતાએ કર્યું હતું અને ભાવિનભાઈ સાંખટે આભારવિધિ કરી હતી.