સીજેપીએ પહેલા જ ધડાકે મીર મારી દીધો. હજુ લગભગ અઢી મહિના પહેલાં જ અસ્તિત્વમાં આવેલી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ એજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પેપર ફૂટી ગયું તેની સામે આંદોલન શરૂ કર્યું ત્યારે કોઈને આશા નહોતી કે, આ આંદોલન ભારતમાં ઈતિહાસ રચી દેશે. સીજેપીએ નીટ પેપર લીક માટે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દિલ્લીના જંતર મંતર ખાતે શરૂ કરેલું આંદોલન અઠવાડિયું પણ નહોતું ચાલ્યું તેથી સૌને લાગેલું કે, સોશિયલ મીડિયા પર ભારે હવા જમાવનારી કોક્રોચ જનતા પાર્ટીનો ફુગ્ગો ફૂટી ગયો.
આ કારણે સીજેપીએ ૨૦ જૂનથી દિલ્લીના જંતર મંતર ખાતે આંદોલનને બીજો તબક્કો શરૂ કર્યો ત્યારે લોકોને ખાસ આશા નહોતી. કેન્દ્રની ભાજપ સરકાર તો એમ જ માનતી હતી કે, પહેલા તબક્કાની જેમ બીજો તબક્કો પણ અઠવાડિયામાં સંકેલાઈ જશે તેથી સરકારે તો આંદોલનની સાવ ઉપેક્ષા જ કરી હતી. અઠવાડિયા પછી સોમન વાંગચુકે આંદોલનને ટેકો જાહેર કરીને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા ત્યારે લોકોનું ધ્યાન સહેજસાજ ખેંચાયેલું પણ સરકારે તો ઉપેક્ષા ચાલુ જ રાખી હતી.
આ ઉપેક્ષા મોદી સરકારને ભારે પડી ગઈ. ધીરે ધીરે સ્વયંભૂ જ યુવાઓ જંતર મંતર ખાતે ઉમટવા માંડ્યા અને એક મહિનામાં તો એટલી ભીડ થઈ ગઈ કે, જગા નાની પડવા માંડી. નેશનલ મીડિયા ગમે તે કારણોસર આંદોલનને કવરેજ નહોતું આપતું તેથી દેશના બાકીના ભાગોમાં તો લોકોને ખબર જ નહોતી કે, દિલ્લીમાં લાખોની સંખ્યામાં યુવા ખડકાઈ ગયા છે. સીજેપીએ ૨૨ જુલાઈએ સંસદ કૂચનું આયોજન કરેલું.
આ કૂચ એવી જોરદાર હતી કે, ટીવી ચેનલોએ જખ મારીને કવરેજ આપવું પડ્યું. પોલીસની લાઠીઓ ખાઈને પણ યુવાઓ પાછા નહોતા હટતા એ આખી દુનિયાએ જોયું ને સરકારે પણ જોયું. પોલીસનાં ધાડેધાડાં ખડકી દેવાયાં હોવા છતાં હજારો યુવા છેક સંસદના ગેટ લગી પહોંચી ગયા એ પણ સરકારે જોયું ને સરકાર સફાળી જાગી. યુવાઓનો આક્રોશ વધારે ભડકે એ પહેલાં સરકારે તેને શાંત પાડવા ધડાધડ પગલાં લેવાં માડ્યાં ને તેમાં એક પગલું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનું પણ છે.
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ઈતિહાસસર્જક ઘટના છે કેમ કે મોદી સરકારના ૧૨ વર્ષના શાસનમાં પહેલી વાર એવું બન્યું કે, જન આંદોલનના કારણે કોઈ પ્રધાને રાજીનામું ધરી દેવું પડ્યું હોય. આ પહેલાં રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી એમ.જે. અકબરે રાજીનામું આપવું પડેલું પણ અકબરના રાજીનામા માટે મીટુ ચળવળ જવાબદાર હતી. અકબર પત્રકાર હતા ત્યારે સાથી પત્રકાર યુવતીઓની છેડતી કરવા બદલ રાજીનામું આપવું પડેલું જ્યારે પ્રધાનના કિસ્સામાં તો આંદોલનકારીઓની મુખ્ય માગણી જ તેમના રાજીનામાની હતી. મોદી સરકારે શરમજનક સ્થિતીમાં ના મૂકાવું પડે એટલા માટે પ્રધાનનું રાજીનામું ટાળવા બહુ પ્રયત્ન કરી જોયા પણ સીજેપી ના માની તેથી છેવટે સરકારે ઝૂકવામાં શાણપણ સમજીને પ્રધાનને રવાના કરી દીધા.
ભારતના ઈતિહાસમાં પહેલી વાર કોઈ કેન્દ્રીય મંત્રીએ આંદોલનના કારણે રાજીનામું આપવું પડ્યું.
ભારતમાં લોકોના આંદોલનના કારણે રાજીનામું આપનારા ધર્મેન્દ્ર પ્રધાન પહેલા કેન્દ્રીય પ્રધાન છે. ભારતનાં રાજ્યોમાં આંદોલનોના કારણે મુખ્યમંત્રીઓએ રાજીનામાં આપી દેવાં પડ્યાં હોય એવી તો અનેક ઘટનાઓ બની છે. ગુજરાતમાં જ ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનના કારણે ચીમનભાઈ પટેલે રાજીનામું આપી દેવું પડેલું. ૧૯૮૫માં માધવસિંહ સોલંકીએ પણ અનામત વિરોધી આંદોલનના કારણે રાજીનામું ધરી દેવું પડેલું. બીજાં રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ ઘરભેગા થયા હોય એવી ઘટનાઓ બની છે પણ પ્રધાનની જેમ કોઈ કેન્દ્રીય મંત્રી આંદોલનના કારણે વધેરાઈ ગયા હોય એવું પહેલી વાર બન્યું છે. લાલ બહાદુર શાસ્ત્રી, વી.પી. કૃષ્ણ મેનન, વી.પી. સિંહ, શિવરાજ પાટિલ વગેરે કેન્દ્રીય મંત્રીઓએ ફરજ બજાવવામાં નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાં આપી દીધેલાં પણ આંદોલને ભોગ લીધો હોય તેવા ધર્મેન્દ્ર પ્રધાન પહેલા કેન્દ્રીય મંત્રી છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે તેમની પોતાની ઉધ્ધતાઈ, સંવેદનહીનતા અને હોતા હૈ ચલતા હૈ અભિગમ તો જવાબદાર છે જ પણ ભાજપની નેતાગીરી પણ જવાબદાર છે. નેશનલ એજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ૩ મેના રોજ હતી ને તેનું પેપર ફૂટી ગયું હોવાનું એ જ દિવસે બહાર આવી ગયેલું પણ ધર્મેન્દ્ર પ્રધાન આ વાત સ્વીકારવા જ તૈયાર નહોતા. પ્રધાન નીટ લેનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો બચાવ કર્યા જ કરતા હતા અને પેપર ફૂટ્યું જ નથી એવી રેકર્ડ વગાડ્યા કરતા હતા. મીડિયાએ પેપર ફૂટી ગયું હોવાના પુરાવા રજૂ કર્યા એ પછી પ્રધાનનો હકીકતને સ્વીકાર્યા વિના છૂટકો નહોતો તેથી છેવટે ૧૨ મેએ નીટનું પેપર ફૂટી ગયું હોવાનું સ્વીકારીને નવેસરથી પરીક્ષા લેવાની જાહેરાત કરી.
ધર્મેન્દ્ર પ્રધાન આ દેશના શિક્ષણ મંત્રી હતા પણ નીટ જેવી ૨૩ લાખ વિદ્યાર્થીઓ બેસે છે એ પરીક્ષાનું પેપર ફૂટી ગયું તેની ખબર તેમને છેક ૯ દિવસ પછી પડી એ જોતાં તેમને પ્રધાનપદે રહેવાનો અધિકાર જ નહોતો પણ રાજીનામું આપવાના બદલે એ હોદ્દા પર ચીટકી રહ્યા. પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું ધરી દીધું હોત તો મોદી સરકારે આંદોલનનો સામનો પણ ના કરવો પડ્યો હોત ને શરમજનક સ્થિતીમાં પણ ના મૂકાવું પડ્યું હોત પણ પ્રધાને ના હોદ્દો છોડ્યો કે ના હતાશ વિદ્યાર્થીઓ તરફ સહાનુભૂતિ બતાવી. પેપર ફૂટી ગયું તેના કારણે હતાશ વિદ્યાર્થીઓ આપઘાત કરવા માંડ્યા ત્યારે પણ ધર્મેન્દ્ર પ્રધાન તેમના પરિવારોને સાંત્વના આપવાના બદલે ફિશિયારીઓ મારવામાં પડ્યા હતા.
નવીસવી બનેલી કોક્રોચ જનતા પાર્ટીને સોશિયલ મીડિયાથી બહાર નિકળીને જમીન પર પોતાની તાકાત વધારવા માટે એક મુદ્દાની જરૂર હતી. ભાજપની નેતાગીરીએ પ્રધાનનું રાજીનામું નહીં લઈને આ મુદ્દો આપી દીધો. સીજેપીએ પ્રધાનના રાજીનામાની માગણી સાથે આંદોલન શરૂ કર્યું ત્યારે ભાજપની નેતાગીરીએ બીજી ભૂલ કરી. કોક્રોચ જનતા પાર્ટીને ઉગતી જ ડામવા માટે તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવનારી ભાજપની નેતાગીરીના ઈશારે સીજેપીને દેશદ્રોહી ચિતરવાનું અભિયાન શરૂ થયું. સીજેપીને પાકિસ્તાનથી ફંડ મળતું હોવાના દાવા કરીને સીજેપીના નેતાઓને પાકિસ્તાની એજન્ટ સાબિત કરવાની સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ થઈ. આ ઝુંબેશ બેકફાયર થઈ કેમ કે જેન-ઝીને સીજેપી તરફ સહાનુભૂતિ પેદા થઈ. દેશના યુવાનો માટે લડનારા યુવાઓને દેશદ્રોહી સાબિત કરવાના ઉધામા સામે લડવા યુવાઓ દેશભરમાંથી દિલ્લીમાં ઠલવાવા માંડ્યા ને તેનું પરિણામ સૌની નજર સામે છે.
કોક્રોચ પાર્ટીનું ભાવિ શું ?
કોક્રોચ જનતા પાર્ટીની શરૂઆત સોશિયલ મીડિયા પર થયેલી તેથી મોટા ભાગનાં લોકો તેને સોશિયલ મીડિયા પાર્ટી જ ગણતાં હતાં. કોક્રોચ પાર્ટી સોશિયલ મીડિયા પર ઉભી થઈ ને સોશિયલ મીડિયા પર પતી જશે એવું સૌ માનતાં હતાં. કોક્રોચ પાર્ટી કદી લોકો પર પોતાની પકડ નહીં જમાવી શકે એવો અભિપ્રાય વ્યક્ત થતો હતો પણ સીજેપીએ સૌને ખોટા સાબિત કરી દીધા છે. નીટ પેપર લીક જેવા ચોક્કસ વર્ગને સ્પર્શતા મુદ્દે પણ પ્રચંડ આંદોલન કરીને સીજેપીએ સાબિત કરી દીધું છે કે, તેનામાં લોકોને આકર્ષવાની આ તાકાતનો સીજેપીને ભવિષ્યમાં કેવો રાજકીય ફાયદો મળશે એ કહેવું મુશ્કેલ છે પણ સીજેપીએ તેને કોઈ અવગણી ના શકે એ સ્ટાઈલમાં તેની નોંધ ચોક્કસ લેવડાવી દીધી છે.
ઘણા વિશ્લેષકોના મતે, સીજેપી જેનઝીમાં અત્યંત લોકપ્રિય હોવાથી ભાજપને બહુ મોટું નુકસાન કરશે કેમ કે ભાજપના ચાહક વર્ગમાં યુવાનો મોટી સંખ્યામાં છે. ભાજપે આ યુવાનોની લાગણી ના સમજી તેની કિંમત એ ચૂકવશે. ઘણાંના મતે. અન્ના હઝારેના ૨૦૧૦ના જન લોકપાલ બિલ માટેના આંદોલને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઉદયનો તખ્તો તૈયાર કરી દીધેલો એવો જ તખ્તો અભિજીત દીપકેની નવી પાર્ટીના ઉદયનો ઘ઼ડી દીધો છે. આપની જેમ દીપકેની પાર્ટી પણ શહેરી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવીને એક સક્ષમ રાજકીય પરિબળ તરીકે ઉભરશે. ભાવિના ગર્ભમાં શું છે એ આપણને ખબર નથી પણ અત્યારે તો સીજેપી છવાઈ ગઈ છે તેમાં બેમત નથી.













































