ગીરના તીર્થધામ તુલસીશ્યામ ખાતે આ વર્ષે પણ અષાઢ સુદ પુનમના દિવસે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. ગુરુપૂર્ણિમા નિમિત્તે કાઠી ક્ષત્રિય સમાજના શ્યામ સેવકો કંઠી બંધાવીને ગુરુદીક્ષા લેશે અને ગુપ્ત દાન પણ કરશે. ડાભિયા પરિવાર દ્વારા સીતારામ ભોજનાલયથી મંદિર સુધી પાલખીયાત્રા યોજાશે. મંદિરના પટાંગણમાં કનુભાઈ કોટીલા દ્વારા ભગવાન સત્યનારાયણની કથા યોજાશે. કથા પૂર્ણ થયા બાદ ભગવાન શ્યામની મહાઆરતી અને ગુરુપૂજન કરાશે. કાર્યક્રમના અંતે તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ માટે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધા માટે ટ્રાફિક, ર્પાકિંગ, પીવાના પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભગવાન શ્રીકૃષ્ણની પટરાણી રુક્ષ્મણીજીએ અહીં તપસ્યા કરી હતી. જે ડુંગર પર તેમણે તપ કર્યું તે “રુક્ષ્મણીનો ડુંગર” આજે પણ અહીં આવેલો છે. સ્થાનિક માન્યતા અનુસાર અહીં ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી અનેક ચર્મરોગ દૂર થાય છે. આ કુંડો ગીરના જંગલની વચ્ચે કુદરતી રીતે ઉદ્‌ભવેલા છે અને વર્ષભર ગરમ પાણી આપે છે. વર્ષોથી કાઠી ક્ષત્રિય સમાજના શ્યામ સેવકો આ તીર્થની સેવા અને રક્ષા સાથે જોડાયેલા છે. આ મહોત્સવમાં પધારવા તુલસીશ્યામ ટ્રસ્ટ અને મેનેજર ચિરાગભાઈ ગોંડલીયાનું જાહેર આમંત્રણ છે.